પત્નીની મંજૂરી સર્વોપરી! ગર્ભ રાખવો કે નહીં, નિર્ણય માત્ર મહિલાનો: હાઈકોર્ટ

Wife’s consent is paramount!: મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર ખંડપીઠે મહિલાઓના પ્રજનન અધિકારો અંગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ગર્ભ રાખવો કે ગર્ભપાત કરાવવો તે સંપૂર્ણપણે મહિલાનો વ્યક્તિગત અધિકાર છે અને તેના માટે પતિની મંજૂરી જરૂરી નથી. કોર્ટે 13 સપ્તાહની ગર્ભવતી મહિલાને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ હેઠળ ગર્ભસમાપ્તિ કરવાની મંજૂરી આપી છે.
વૈવાહિક વિવાદ વચ્ચે મહિલાએ કરી હતી અરજી
મામલો ઈન્દોર વિભાગના એક હાઈ-પ્રોફાઇલ દંપતી સાથે જોડાયેલો છે. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે સતત વિવાદ વધી રહ્યો હતો. આ દરમિયાન મહિલા ગર્ભવતી બની હતી, પરંતુ સંબંધોમાં તણાવ વધતા બંને અલગ રહેવા લાગ્યા હતા. મહિલાએ દલીલ કરી હતી કે આવી પરિસ્થિતિમાં બાળકનો જન્મ તેના માટે માનસિક, સામાજિક અને ભાવનાત્મક રીતે મુશ્કેલ સાબિત થઈ શકે છે.
પતિ કોર્ટમાં હાજર ન રહ્યો
હાઈકોર્ટે પતિને નોટિસ પાઠવી હતી, પરંતુ તે કોઈપણ સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યો નહોતો. રાજ્ય સરકાર તરફથી પણ મહિલાની અરજીનો વિરોધ કરવામાં આવ્યો નહોતો.
મહિલાને પોતાના શરીર પર અધિકાર
કોર્ટે પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ નિર્ણય ‘X vs Principal Secretary, Health and Family Welfare’ નો ઉલ્લેખ કરતાં કહ્યું કે બંધારણના કલમ 21 હેઠળ દરેક મહિલાને પોતાના શરીર અને પ્રજનન સંબંધિત નિર્ણય લેવાનો મૂળભૂત અધિકાર છે. મહિલાને તેની ઈચ્છા વિરુદ્ધ માતૃત્વ સ્વીકારવા માટે મજબૂર કરી શકાય નહીં.
MTP એક્ટ હેઠળ મળી મંજૂરી
કોર્ટે નોંધ્યું કે મહિલાની ગર્ભાવસ્થા 13 સપ્તાહ અને 1 દિવસની હતી, જે MTP એક્ટ, 1971 હેઠળની કાનૂની મર્યાદામાં આવે છે. તેથી તબીબી પ્રક્રિયા અનુસરીને ગર્ભપાતની મંજૂરી આપી શકાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વૈવાહિક તણાવને માન્ય આધાર ગણાવ્યો
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે જો પતિ-પત્ની વચ્ચે ગંભીર મતભેદ હોય, બંને અલગ રહેતા હોય અથવા તલાક જેવી સ્થિતિ ઊભી થઈ હોય, તો તે મહિલાના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. આવી સ્થિતિમાં મહિલા ગર્ભ રાખવા માંગતી ન હોય તો તે ગર્ભસમાપ્તિ માટે યોગ્ય અને ન્યાયસંગત કારણ બની શકે છે.
આ પણ વાંચો : 164 તાલુકાના વરસાદની ધબધબાટી, અમરેલીના 3 તાલુકામાં 27 ઈંચ વરસાદ, 5 તાલુકામાં શાળામાં રજા












