સુરતના લસકાણામાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ ખેલ: જૂની અદાવતમાં 5 કિન્નરોએ ઘરમાં ઘૂસી ચપ્પુ-લાકડીથી કર્યો હુમલો

Surat Transgender Attack Case: સુરતના લસકાણા વિસ્તારમાં કિન્નરોના બે જૂથ વચ્ચેની જૂની અદાવતમાં લોહિયાળ હિંસાની ચકચારી ઘટના સામે આવી છે. ટ્રેન અને જાહેર સ્થળોએ માંગણી કરીને ગુજરાન ચલાવતા 29 વર્ષીય કિન્નર સપનાકુંવર નંદનીકુંવર પર 5 જેટલા કિન્નરોએ એકસંપ થઈ જીવલેણ હુમલો કર્યો હતો. રેલ્વે સ્ટેશન પર થયેલી મામૂલી બોલાચાલીની અદાવત રાખી આરોપીઓ લસકાણા સ્થિત મિત્રના ઘર સુધી પહોંચી ગયા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
માતાજીની પૂજાની ચર્ચામાં બોલાચાલી
ઘટનાની વિગતો અનુસાર, ગત 30 જુલાઈ 2026ના રોજ બપોરે 2:00 વાગ્યાના સુમારે સપનાકુંવર તેના સહયોગી મિત્રો સાથે સુરત રેલ્વે સ્ટેશન પર હાજર હતા. આ દરમિયાન તેઓ ચૈત્ર મહિનામાં મહાકાળી માતાજીની પૂજા કરવા અંગે અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. તે સમયે નજીકમાં બેસેલા ખુશીકુંવર નામના કિન્નરે ‘તમે મારી જ વાતો કરો છો’ તેમ કહીને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર મારપીટ સુધી પહોંચી ગઈ હતી.
રસોડામાં રસોઈ બનાવતા સમયે ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો
રેલ્વે સ્ટેશન પરથી છૂટા પડ્યા બાદ સાંજે 7:00 વાગ્યાના સુમારે સપનાકુંવર લસકાણાના વિપુલનગરમાં રહેતા તેમના મિત્ર દીપકુવરના ઘરે ગયા હતા. ત્યાં દીપકુવર અને સમીરાકુવર સાથે મળીને તેઓ રાત્રિનું જમવાનું બનાવી રહ્યા હતા. તે જ સમયે રાત્રિના આશરે 8:00 વાગ્યાના સુમારે અદાવત રાખીને શુભકુંવર, બ્યુટીકુંવર અને હાથમાં લાકડાનો ફટકો લઈને જમનાકુંવર ઘરમાં ઘૂસી આવ્યા હતા અને આતંક મચાવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચપ્પુ અને લાકડી વડે હુમલો
ઘરમાં ઘૂસેલા આરોપીઓએ સપનાકુંવરને ગંદી ગાળો આપી માર મારવાનું શરૂ કર્યું હતું. શુભકુંવર અને બ્યુટીકુંવરે સપનાકુંવરને પકડી રાખ્યા હતા, જ્યારે જમનાકુંવરે લાકડાના ફટકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો. આ દરમિયાન ખુશીકુંવર અને માન્યાકુંવરે પણ ઘરમાં આવી છાતીના ભાગે લાતો મારી સપનાકુંવરને નીચે પાડી દીધા હતા.
લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડાયા
ખુશીકુંવરે રસોડામાંથી શાક સમારવાનું ચપ્પુ ઊંચકી સપનાકુંવર પર ઘા કરવા પ્રયાસ કર્યો હતો, જેમાં બચાવમાં હાથ આડો ધરતાં સપનાકુંવરનો હાથ કંપાઈ ગયો હતો અને તેઓ લોહીલુહાણ થયા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જવાની બીકે આરોપીઓ ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત સપનાકુંવરને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
લસકાણા પોલીસે 5 કિન્નરો સામે નોંધ્યો ગુનો
સારવાર મેળવ્યા બાદ સપનાકુંવરે લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. લસકાણા પોલીસે જમનાકુંવર, શુભકુંવર, બ્યુટીકુંવર, ખુશીકુંવર અને માન્યાકુંવર નામના 5 કિન્નરો સામે હુમલો, ગેરકાયદે મંડળી રચવી અને હથિયારબંધી જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ભમ્મરને સોંપી છે.
આ પણ વાંચો: સગર્ભા માતાઓના પોષણ સાથે ચેડાં? સુરતમાં એક્સપાયર્ડ કઠોળ મળતાં ચકચાર












