Surat: બે વર્ષના લગ્નજીવનનો લોહીયાળ અંત, પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ રહેંસી નાખી

Surat Crime News: સુરત શહેરમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે વર્ષ પહેલા જ પ્રેમલગ્ન કરનારા યુવકે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી હત્યા નિપજાવી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાં પતિ સરફરાઝ ખાન દ્વારા પોતાની પત્ની પૂજાકુમારીની ચપ્પુથી હત્યા કરવાની ઘટના સામે આવી છે. સરફરાઝે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈ પૂજાના છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
આ ઘટના આજે બપોરે રાંદેર વિસ્તારમાં આવેલી રામનગર વોકવે પાસે બની હતી. મળતી માહિતી અનુસાર, સરફરાઝ અને પૂજાની વચ્ચે 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ શરૂ થયો હતો, જે બાદ તેઓએ લગ્ન કર્યા અને સુરતમાં વસવાટ કરવા માટે આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, પૂજાકુમારી તેના એક માનેલા ભાઈ સાથે અવારનવાર ફોન પર વાતચીત કરતી હતી. આ વાત તેના પતિ સરફરાઝ ખાનને જરાય પસંદ નહોતી. સરફરાઝ પોતાની પત્ની પર સતત શંકા કરતો હતો કે તેને અન્ય કોઈ સાથે આડા સંબંધો છે. આ બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. રવિવારે પૂજા તેના તે મિત્ર સાથે ક્યાંક નીકળી ગઈ હતી, જેના કારણે સરફરાઝ એકદમ ગુસ્સામાં હતો અને તેને શોધતો હતો. પૂજા જ્યારે તે પોતાના મિત્ર સાથે બહાર ગઈ, ત્યારે સરફરાઝનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. આજે જ્યારે તેણે પૂજાને પવિત્રા રેસીડેન્સી પાસે તેના મિત્ર સાથે જોઈ, ત્યારે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. કોઈ પણ વિચાર કર્યા વગર તેણે તેની પત્નીના જીવનનો અંત લાવી દીધો.
ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ પૂજાકુમારીને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ચપ્પુનો ઘા એટલો ઊંડો અને હૃદયની નજીક હતો કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ પૂજાને મૃત જાહેર કરી હતી. આ સમાચાર મળતા જ પૂજાના પરિવારમાં અને હોસ્પિટલ પરિસરમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.
બનાવની જાણ થતા જ રાંદેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યારા પતિ સરફરાઝ ખાનની અટકાયત કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સરફરાઝ અને પૂજા બંને બિહારના વતની છે અને સુરતમાં કેટરિંગમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. બંનેની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોવાનું અનુમાન છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા પાછળ માત્ર અને માત્ર પત્નીના ચરિત્ર પરની શંકા જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: નોબલનગર ચાર રસ્તા પર ફૂટપાથ પર બળેલી હાલતમાં મહિલાની લાશ મળી, પોલીસ તપાસ ચાલુ












