વેરાવળના ખંઢેરી ગામમાં મધરાતે સિંહ પરિવારની લટાર, પશુઓમાં નાસભાગ

Khandheri Lion Family : ગીર સોમનાથ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સિંહોની અવરજવર સતત જોવા મળી રહી છે. ત્યારે વેરાવળ તાલુકાના ખંઢેરી ગામમાં મોડી રાત્રે સિંહ પરિવાર ગામની શેરીઓમાં લટાર મારતો જોવા મળ્યો હતો. અચાનક રહેણાંક વિસ્તારમાં સિંહો આવી પહોંચતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સિંહોની હાજરીથી શેરીઓમાં બાંધેલા ગાય-ભેંસ સહિતનાં પશુઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શિકારની શોધમાં ગામની શેરીઓમાં પહોંચ્યા સાવજ
મળતી માહિતી મુજબ, ખંઢેરી ગામમાં રાત્રિના સમયે સિંહ પરિવાર ગામના પાદર અને રહેણાંક મકાનોની આસપાસ આવી પહોંચ્યો હતો. સિંહોની હાજરીની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સિંહોની અવરજવરથી ગાય-ભેંસ અને કૂતરાં સહિતનાં પશુઓમાં પણ અફરાતફરી જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખંઢેરી ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં લાંબા સમયથી સિંહોની અવરજવર રહે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શિકાર અને પાણીની શોધમાં સિંહો વારંવાર રહેણાંક વિસ્તારો તરફ આવી રહ્યા છે. જેના કારણે ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ખેડૂતો અને માલધારીઓમાં ફફડાટ
રાત્રિના સમયે ખેતરોમાં પિયત માટે જતા ખેડૂતો અને માલધારીઓ માટે સિંહોની વધતી અવરજવર ચિંતાનો વિષય બની છે. અંધારામાં અચાનક સિંહ સામે આવી જવાની ભીતિથી ખેડૂતો પણ રાત્રે ખેતરમાં જતાં ખચકાઈ રહ્યા છે. આ ઘટનાને પગલે ગ્રામજનોએ ગીર સોમનાથ વનવિભાગને જાણ કરી છે. સાથે જ ગામની આસપાસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની માગ કરી છે. સિંહોની અવરજવર પર નજર રાખવા તેમજ માનવ વસ્તીમાં તેમનો પ્રવેશ અટકાવવા માટે યોગ્ય પગલાં ભરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. ગ્રામજનોએ જરૂરિયાત મુજબ પાંજરાં મૂકીને સિંહોને સુરક્ષિત રીતે રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવાની માગ કરી છે.
આ પણ વાંચો : તુલસી વિવાહ 2026: નવેમ્બરમાં આ દિવસે થશે તુલસી-શાલિગ્રામના લગ્ન, જાણો શુભ મુહૂર્ત










