કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ભડકો, છૂટક બજારમાં કિલોના ₹100

Onion Price Hike : તહેવારો ટાણે જ સૌરાષ્ટ્રના બજારોમાં ડુંગળીના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં ઉપજના સારા ભાવ મળતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે, જ્યારે બીજી તરફ છૂટક બજારમાં ભાવ આસમાને પહોંચતાં સામાન્ય ગ્રાહકોના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલ ખુલ્લા બજારમાં ક્વોલિટી મુજબ ડુંગળી ₹80થી ₹100 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જેના કારણે ગૃહિણીઓની આંખમાં પાણી આવી ગયા છે.

માર્કેટયાર્ડમાં 20 કિલોના ₹500થી ₹700 ઉપજ્યા

માર્કેટયાર્ડમાં નવી આવક વચ્ચે ગ્રેડિંગ પ્રમાણે સોદા થઈ રહ્યા છે. ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી A+ ગ્રેડની ડુંગળીના ભાવ પ્રતિ મણ (20 કિલો) ₹700 સુધી બોલાઈ રહ્યા છે, જ્યારે મધ્યમ કક્ષાની ડુંગળી ₹500 આસપાસ વેચાઈ રહી છે. જોકે, ખેડૂતોને મળતા જથ્થાબંધ ભાવ અને રિટેલ બજારના ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. પરિવહન ખર્ચ, લોડિંગ-અનલોડિંગ અને વચેટિયાઓના કમિશનને પગલે છૂટક ગ્રાહક સુધી પહોંચતાં ડુંગળી બમણા ભાવે પહોંચી જાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સ્થાનિક વેપારીઓની પ્રતિક્રિયા

શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીના જણાવ્યા મુજબ, “બજારમાં માગ અને આવક વચ્ચે સતત વધઘટ રહે છે. સામાન્ય દિવસોમાં જે ડુંગળી ₹30થી ₹50 પ્રતિ કિલો મળતી હતી, તેના ભાવ હાલ પુરવઠો ઘટતાં ₹80થી ₹100 સુધી પહોંચ્યા છે. ભાવમાં દૈનિક ધોરણે મોટો ફેરફાર થતો હોવાથી વેપારીઓ માટે પણ જથ્થો ખરીદવો જોખમી બન્યો છે.”

સામાન્ય વર્ગના ખિસ્સા પર મોંઘવારીનો માર

દૈનિક આહારમાં ડુંગળી અનિવાર્ય હોવાથી તેના ઊંચા ભાવની સીધી અસર મધ્યમ અને શ્રમિક પરિવારોના માસિક બજેટ પર પડી રહી છે. આગામી દિવસોમાં નવી આવક વધવાથી ગ્રાહકોને રાહત મળશે કે તેજી યથાવત્ રહેશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. છૂટક બજાર સુધી પહોંચતા તેમાં મજૂરી, બગાડ (વેસ્ટેજ), વાહન ભાડું અને હોલસેલર તેમજ છૂટક લારીવાળાનો નફો ઉમેરાતાં ભાવ સીધો ₹80થી ₹100 પ્રતિ કિલોએ પહોંચી જાય છે.

આ પણ વાંચો: ગાંધીનગરના છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી હાહાકાર, 4નાં મોત

આગામી દિવસોમાં સ્થિતિ કેવી રહેશે?

વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર (નાસિક) તેમજ ગુજરાતના સ્થાનિક વિસ્તારોમાંથી નવી ડુંગળીની નિયમિત અને મોટા પાયે આવક શરૂ થતાં જ આગામી બેથી ત્રણ સપ્તાહમાં ભાવ નિયંત્રણમાં આવી શકે છે.

ભાવ વધારા પાછળના મુખ્ય પરિબળો:

  • નવી આવકમાં ઘટાડો: પાછોતરા વરસાદ કે વિલંબિત વાવણીના કારણે ખેતરોમાંથી નવી લાલ કે સફેદ ડુંગળીની આવક ધીમી રહી છે.

  • તહેવારોની મોસમમાં માગ: નવરાત્રિ, દિવાળી અને બેસતા વર્ષના તહેવારોને કારણે હોટલ-રેસ્ટોરાં તેમજ ઘરોમાં ડુંગળીની માગમાં નોંધપાત્ર વધારો થયો છે.

  • સંગ્રહિત માલનો જથ્થો ઘટવો: અગાઉની સિઝનનો કોલ્ડ સ્ટોરેજ કે વખારોમાં સંગ્રહાયેલો જૂનો જથ્થો મોટાભાગે ખલાસ થવાના આરે હોવાથી બજારમાં પૂરતો પુરવઠો ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો:YouTube-TikTokની સ્પર્ધાથી Netflix પર દબાણ! 1,000 નોકરીઓ જોખમમાં

Back to top button