રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે, વડોદરામાં આદિવાસી અધિકાર સંમેલનમાં હાજરી આપશે

Rahul Gandhi: આજે 23 માર્ચ 2026ના રોજ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના વડોદરામાં આવવાના છે. આ તેમની એક દિવસીય મુલાકાત છે, જે આગામી સ્થાનિક સ્વરાજ્ય (પાલિકા-પંચાયત) ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ પાર્ટીની તૈયારીઓને વેગ આપવા માટે આયોજિત કરવામાં આવી છે.
રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે, જ્યાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ તેઓ અજવા રોડ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલમાં યોજાનાર ‘આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન’માં ભાગ લેશે. આ કાર્યક્રમ બપોરે સાંજે 6 વાગ્યા સુધી ચાલે તેવી શક્યતા છે, જેમાં રાહુલ ગાંધી સંબોધન કરવાના છે.
આ સંમેલનમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાંથી આગેવાનો, NGO પ્રતિનિધિઓ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ સહિત આશરે 1000થી વધુ આદિવાસી સમુદાયના બુદ્ધિજીવીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. મુખ્ય ચર્ચા જમીન, જળ, જંગલના અધિકારો, ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ (FRA) 2006ના અમલમાં વિલંબ, મનરેગા તથા નલ સે જલ જેવી યોજનાઓમાં ભ્રષ્ટાચાર, શિક્ષણ-આરોગ્ય-કલ્યાણમાં અનિયમિતતા અને સરકારી નોકરીઓમાં અન્યાય જેવા મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા છે કે આદિવાસીઓના સંવિધાનિક અધિકારોનું રક્ષણ નથી થતું અને 2006ના કાયદા પછી પણ 18 વર્ષ પછી જમીન માલિકીના હક્ક મળ્યા નથી. આ સંમેલન બાદ કોંગ્રેસ આ મુદ્દાઓ પર વિગતવાર અહેવાલ તૈયાર કરીને મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે.
રાહુલ ગાંધી કાર્યક્રમ પૂર્ણ કરીને સાંજે દિલ્હી પરત ફરશે. આ પ્રવાસ દ્વારા કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં પોતાની પક્ડ મજબૂત કરવા માગે છે.
આ પણ વાંચો: Vadodara: વાઘોડિયાના આલમગઢ તળાવમાં નહાવા ગયેલા ચાર મિત્રો પૈકી 2 લાપતા, શોધખોળ ચાલુ












