ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પુલવામા હુમલા અંગે સત્યપાલ મલિકના ચોંકાવનારા ખુલાસા: મોદીએ કહ્યું ‘ચુપ રહો’, CRPFને વિમાન આપ્યા નહીં, વિસ્ફોટક વાહન 10 દિવસથી ફરતું હતું

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પુલવામા આતંકી હુમલાની 7મી વર્ષગાંઠ પર કોંગ્રેસે તેના અધિકૃત X (પૂર્વે ટ્વિટર) અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથેની વાતચીતમાં હુમલા અંગેના અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ વીડિયો ભારત જોડો યાત્રા દરમિયાનની વાતચીતનો ભાગ છે અને તેમાં સત્યપાલ મલિકે હુમલાને સરકારની મોટી ભૂલ ગણાવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ચુપ રહેવાનું કહ્યું હતું.

સત્યપાલ મલિકના ખુલાસા

– મલિક કહે છે કે જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે વડાપ્રધાન મોદી કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટિંગ (ફિલ્મિંગ) કરી રહ્યા હતા. તેઓએ કેટલીક વખત ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મળ્યા નહીં. સાંજે 5-6 વાગ્યે મોદીએ કોલબેક કર્યો અને પૂછ્યું “સતપાલ ભાઈ, શું થયું?” મલિકે કહ્યું, “આપણા આટલા લોકો મરી ગયા છે અને તેમના મોત માટે આપણે જ જવાબદાર છીએ.” મોદીએ કહ્યું, “આ વિશે કંઈ બોલશો નહીં, ચુપ રહો.”

– એક કલાક પછી અજિત ડોભાલ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) મલિકને મળવા આવ્યા. મલિકે તે સમયે બે ચેનલોને આ અંગે વાત કરી દીધી હતી. ડોભાલે કહ્યું કે તમે કંઈ બોલશે નહીં કારણ કે તે તપાસને અસર કરી શકે છે. મલિકે વિચાર્યું કે તપાસને અસર થશે તો તેઓ ચુપ રહ્યા. બીજા દિવસે તેઓએ કહ્યું, “તમે પુલવામાના શહીદોને યાદ કરો અને અમે બાલાકોટ-બાલાકોટ કરીશું.” મલિકે પૂછ્યું, “અત્યાર સુધી કંઈ થયું નથી?” તેઓએ કહ્યું કે ના.

-CRPFએ જવાનોના મૂવમેન્ટ માટે 5 વિમાનો માંગ્યા હતા. અરજી 4 મહિના સુધી ગૃહ મંત્રાલયમાં પડી રહી, પરંતુ વિમાન આપવામાં આવ્યા નહીં. મલિક કહે છે, “જો મને પૂછ્યું હોત તો હું તરત આપી દેતો.” દિલ્હીમાં તો વિમાનો તરત જ ભાડે મળી જાય છે. રસ્તા પરથી જવું અસુરક્ષિત છે, તેથી તેઓને(જવાનો) મજબૂરીમાં રોડ પરથી જવું પડ્યું અને ત્યારે હુમલો થયો. મલિક કહે છે કે આ અરજી તેમની સામે નહોતી, તે CRPF અને ગૃહ મંત્રાલય વચ્ચે હતી, પરંતુ હુમલાનું જોખમ હતું.

વિસ્ફોટક વાહન અને ગુપ્તચર નિષ્ફળતા

મલિકે કહ્યું કે જે સુસાઈડ બોમ્બર વાહન અથડાયું તે 10-12 દિવસથી કાશ્મીરમાં ફરી રહ્યું હતું, પરંતુ ગુપ્તચર એજન્સીઓ તેને શોધી શક્યા નહીં. વાહનમાં 300 કિલો RDX હતુ. સરહદ છિદ્રાળુ છે, એટલે કે પાકિસ્તાન તરફથી વિસ્ફોટક આવી શકે છે, પરંતુ જો આટલું મોટું પ્રમાણ સ્થાનિક સ્તરે ખરીદાયું હોત તો ચોક્કસ ખબર પડી જાત કારણ કે આટલું વધુ વિસ્ફોટક સ્થાનિક રીતે ખરીદવું અને છુપાવવું મુશ્કેલ છે

આ નિષ્ફળતા મુખ્યત્વે ગુપ્તચર એજન્સીઓની બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થાની લાપરવાહીને કારણે થઈ હોવાનું મલિકે જણાવ્યું. તેમણે કહ્યું કે વાહન આટલા દિવસો સુધી ફરતું રહ્યું અને કોઈને ખબર ન પડી, જે ગંભીર પ્રશ્ન ઉભા કરે છે. આ ખુલાસાઓએ પુલવામા હુમલાની તપાસ અને સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે, અને તેને રાજકીય લાભ માટે વાપરવાના આરોપો પણ લાગ્યા છે.

સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા

હુમલાના 10 કિમીના સ્ટ્રેચમાં 8-10 લિંક રોડ છે, કોઈને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યા નહોતા. સામાન્ય રીતે પોલીસ કાફલા માટે સિવિલ ટ્રાફિક બંધ કરીને રસ્તા સેનિટાઈઝ કરવામાં આવે છે, પરંતુ તે કરવામાં આવ્યું નહીં. લિંક રોડ પર જીપ્સી વાહનોને રોકવા માટે રાખવાની પરંપરા છે, પરંતુ તે પણ નહોતું. હાઈવે અને લિંક રોડ બંને અસુરક્ષિત હતા.

સત્યપાલ મલિકે જણાવ્યું કે જ્યારે તેઓ પુલવામા હુમલાના ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને કહ્યું કે “આ આપણી ભૂલથી થયું છે”, જેના જવાબમાં મોદીએ તેમને “ચુપ રહો” કહ્યું. આ ઘટનાને ચૂંટણીમાં રાજકીય લાભ માટે વાપરવામાં આવી, પાકિસ્તાનને દોષ આપીને આપણા યુવાન જવાનોના જીવ ગયા.

મલિકે કહ્યું કે અનેક કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થયા પછી જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તેમને વિચાર આવ્યો કે આવી સ્ટ્રેટેજિક જગ્યાએ આ ઘટના કેવી રીતે અને ક્યાં બની. તેમને આ વાત પર વિશ્વાસ નહોતો થતો અને તેઓ ભાવુક થઈ ગયા હતા.

આ વીડિયો પુલવામા હુમલા (14 ફેબ્રુઆરી 2019)માં શહીદ થયેલા 40 CRPF જવાનોની યાદમાં પોસ્ટ કરવામાં આવ્યો છે અને તે સુરક્ષા નિષ્ફળતા પર સવાલ ઉઠાવે છે. કોંગ્રેસે આને મોદી સરકારની મોટી નિષ્ફળતા ગણાવી છે, જ્યારે સરકાર તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી.

સત્યપાલ મલિકના આ ખુલાસાઓએ પુલવામા હુમલાની આખી ઘટનાને ફરીથી ચર્ચામાં લાવી દીધી છે અને સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા, ગુપ્તચરની લાપરવાહી તથા રાજકીય ઉપયોગ જેવા ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જ્યારે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આવ્યો નથી, ત્યારે આ વાતચીત દેશના કરોડો નાગરિકોમાં શહીદ જવાનોના બલિદાન પર ફરી એકવાર ગહન ચિંતન અને જવાબદારીની માંગને ઉજાગર કરી રહી છે.

આ પણ વાંચો: ભારત-અમેરિકા વેપાર સમજૂતી પર વિવાદ: રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા આરોપ, કપાસ ખેડૂતો અને ટેક્સટાઈલ ઉદ્યોગને મોટું નુકસાન

Back to top button