ગુજરાત

હિંમતનગરમાં રોંગ સાઈડમાં આવતા પીકઅપ વાને સર્જ્યો ત્રિપલ અકસ્માત, 7 ઘાયલ, 3ની હાલત નાજુક

હિંમતનગર 21 ફેબ્રુઆરી 2026: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા ખેડ તસિયા રોડ પર આજે એક હૃદયદ્રાવક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. રામપુર પાસેના તોરણીયા દાદુપુર વિસ્તારમાં પિકઅપ વાન (ડાલુ), કાર અને રિક્ષા વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 7 થી વધુ લોકો લોહીલુહાણ થયા છે. આ અકસ્માતમાં પિકઅપ ચાલકની બેદરકારી સામે આવી છે, જે પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં વાહન હંકારી રહ્યો હતો.

રોંગ સાઈડમાં આવતા ડાલુએ સર્જ્યો કહેર

પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડ તસિયા રોડ પર એક ડાલુ ચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી પોતાની સાઈડમાં આવી રહેલી કાર સાથે ડાલુ ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની પાછળ આવી રહેલી રિક્ષા પણ આ અકસ્માતની લપેટમાં આવી ગઈ હતી. રિક્ષા કારના પાછળના ભાગે જોરથી ભટકાતા રિક્ષામાં સવાર મુસાફરો ફંગોળાયા હતા અને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ઈજાગ્રસ્તોની હાલત ચિંતાજનક

આ અકસ્માતમાં કુલ 7 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને કરોડરજ્જુના ભાગે ગંભીર ઈજા થઈ છે, જ્યારે અન્ય એક વ્યક્તિને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોના કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.

સારવાર અને પોલીસ તપાસ

તમામ ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે ઘાયલોની સારવાર યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો અને બેદરકાર ડાલુ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ડાંગમાં કાળમુખો અકસ્માત પશ્ચિમ બંગાળ પાસિંગની પીકઅપ પલટી જતાં 3ના મોત, 9 મુસાફરો લોહીલુહાણ

Back to top button