ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અંબાજી જતા પદયાત્રીઓ પર સ્કોર્પિયો ચઢી: 1નું મોત, 11 ઘાયલ; રોષે ભરાયેલા લોકોએ કાર સળગાવી

Sabarkantha Road Accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા દોલગઢ પાટિયા પાસે ભાદરવી પૂનમે અંબાજી દર્શન માટે જઈ રહેલા પદયાત્રીઓ સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. ફોરલેન હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે પદયાત્રીઓના જૂથને અડફેટે લેતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં એક પદયાત્રીનું મોત થયું છે, જ્યારે અન્ય 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઓળખ નાના ચેખલા ગામના રહેવાસી મોહનભાઈ રમણભાઈ વાઘેલા તરીકે થઈ છે. ઈજાગ્રસ્ત પૈકી ત્રણ લોકોને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય આઠ લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ, લોકોએ કાર રોકી

અકસ્મત સર્જ્યા બાદ સ્કોર્પિયોના ચાલક ભરત પટેલે કાર લઈને સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે ઘટનાથી રોષે ભરાયેલા પદયાત્રીઓ અને સ્થાનિક લોકોએ કારનો પીછો કરીને તેને રોકી લીધી હતી.

ઘટનાને કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ટોળાએ અકસ્માત સર્જનાર કારમાં તોડફોડ કર્યા બાદ તેને આગ ચાંપી દીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે સ્કોર્પિયો કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવવી પડી હતી.

ડ્રાઈવરને પકડી પોલીસને સોંપાયો

સ્થાનિક લોકો અને પદયાત્રીઓએ સ્કોર્પિયોના ચાલક ભરત પટેલને પકડી લીધો હતો. આ દરમિયાન તેની સાથે મારામારી પણ થઈ હોવાની વિગતો સામે આવી છે. બાદમાં તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે રોષે ભરાયેલા લોકોને શાંત પાડીને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

GRD જવાનોએ રોકવાનો પ્રયાસ કર્યો છતાં કાર દોડાવી: પોલીસ

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઢોળાસર ગામ નજીક બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. અહીં ફરજ પર રહેલા GRD જવાનોએ સ્કોર્પિયોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે આરોપ છે કે ડ્રાઈવરે વાહન રોકવાને બદલે જવાનો તરફ કાર દોડાવી હતી અને ત્યારબાદ પૂરપાટ ઝડપે આગળ નીકળી ગયો હતો. લગભગ અઢી કિલોમીટર આગળ પહોંચ્યા બાદ સ્કોર્પિયોએ અલગ-અલગ પદયાત્રીઓને અડફેટે લીધા હતા.

પોલીસ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે અને ડ્રાઈવર સામે લાગુ પડતી કલમો હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

પદયાત્રીઓની સુરક્ષાને લઈને ફરી સવાલ

ભાદરવી પૂનમના મેળાને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ જતા હોય છે. આવા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા હાઇવે પર ટ્રાફિક અને વાહનોની ગતિ અંગે નિયમો તથા જાહેરનામાં અમલમાં મૂકવામાં આવે છે.

તેમ છતાં બેફામ ઝડપે દોડતા વાહનોને કારણે પદયાત્રીઓની સુરક્ષા સામે ફરી ગંભીર સવાલ ઊભા થયા છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકો તેમજ અંબાજી જતા પદયાત્રીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ઈજાગ્રસ્ત અને મૃતકની ઓળખ

અકસ્મતમાં દિલીપકુમાર સજ્જનસિંહ પટેલ, મહેશભાઈ મગનભાઈ પટેલ, કાર્તિકકુમાર રતિલાલભાઈ સોલંકી, ચેતનાબેન મોહનભાઈ વાઘરી, સુનિલભાઈ નગીનભાઈ બારીયા, વકતુભાઈ ગલબાભાઈ વાઘરી, મુકેશકુમાર નટવરભાઈ પટેલ, રમેશભાઈ ચંદ્રસિંહ પરમાર, આશાબેન મહેશભાઈ પટેલ, રણજીતભાઈ રમેશભાઈ વાઘેલા અને વિજયભાઈ ધીરુભાઈ પટેલ ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક વિગતોમાં જણાવાયું છે.

નાના ચેખલા ગામના મોહનભાઈ રમણભાઈ વાઘેલાનું અકસ્માતમાં મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત હિંમતનગર રૂરલ પોલીસ, બી ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

બીજી તરફ એ ડિવિઝન પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોની વિગતો મેળવી હતી. મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓએ પણ હોસ્પિટલની મુલાકાત લઈને સારવાર અને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માત, વાહનચાલકની ભૂમિકા તેમજ કારને આગ ચાંપવાની ઘટનાની અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મુખ્ય દ્વાર પર ગણેશજીની તસવીર શુભ, જાણો કયા દેવી-દેવતાઓથી દૂર રહેવું

Back to top button