NEET-UG 2026 રદ: પેપર લીકના આરોપો બાદ NTAનો મોટો નિર્ણય, CBI તપાસના આદેશ અને ફરી લેવાશે પરીક્ષા

NEET-UG 2026 cancelled paper leak: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પેપર લીકના ગંભીર આરોપો બાદ 3 મેના રોજ લેવાયેલી NEET-UG 2026ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. એજન્સીના ડાયરેક્ટર જનરલ (DG) અભિષેક સિંઘે ‘આજતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુશ્કેલ છે, પરંતુ પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે આ અનિવાર્ય હતું. આ સમગ્ર મામલાની તપાસ હવે CBI ને સોંપવામાં આવી છે.
કેવી રીતે થયો ખુલાસો?
NTA પ્રમુખના જણાવ્યા અનુસાર, 7 મેની મોડી રાત્રે કેટલાક વોટ્સએપ મેસેજ મળ્યા હતા, જેમાં નીટ પરીક્ષાના પ્રશ્નપત્રને મળતા આવતા પ્રશ્નો શેર કરવામાં આવ્યા હતા. 8 થી 11 મે દરમિયાન હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં કેટલાક આરોપો સાચા હોવાનું જણાતા એજન્સીએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પેપર કેટલા મોટા પાયે લીક થયું છે તે હવે સીબીઆઈ તપાસમાં જ બહાર આવશે.
વિદ્યાર્થીઓને નહીં ભરવી પડે કોઈ ફી
* ફરીથી યોજાનારી પરીક્ષા (Re-exam) માટે વિદ્યાર્થીઓએ કોઈ નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં. જૂના રજિસ્ટ્રેશન અને પસંદ કરેલા પરીક્ષા કેન્દ્રો જ માન્ય રહેશે.
* વિદ્યાર્થીઓએ કોઈ વધારાની ફી ચૂકવવી પડશે નહીં.
* NTA અગાઉ લેવાયેલી ફી વિદ્યાર્થીઓને પરત કરશે.
* એજન્સી પર આનાથી આર્થિક બોજ પડશે, પરંતુ પારદર્શિતા માટે આ પગલું લેવાયું છે.
દોષિતોને છોડવામાં નહીં આવે
તપાસ દરમિયાન નાસિકની એક પ્રિન્ટિંગ પ્રેસનું નામ પણ ચર્ચામાં આવ્યું છે, જેની તપાસ સીબીઆઈ કરશે. અભિષેક સિંઘે જણાવ્યું કે, પરીક્ષા પહેલા એજન્સી સતર્ક હતી અને 120 જેટલી ટેલિગ્રામ ચેનલો પણ બ્લોક કરવામાં આવી હતી. તેમણે ખાતરી આપી હતી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.
નવા એડમિટ કાર્ડ અને તારીખની જાહેરાત ટૂંક સમયમાં
ફરીથી પરીક્ષા ક્યારે યોજાશે તેનું શિડ્યુલ ટૂંક સમયમાં NTA ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. નવા એડમિટ કાર્ડ પણ ઓનલાઇન જારી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પરની અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો કરે.
આ પણ વાંચોઃ પૃથ્વીના ધ્રુવોની નજીકના પ્રદેશોમાં જોવા મળતી કુદરતી ઘટના, આ શહેરમાં 84 દિવસ સુધી નહીં થાય સૂર્યાસ્ત
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












