ઇટાવામાં યમુના કિનારેથી કોથળામાં છાત્રાનો મૃતદેહ મળ્યો: વિદ્યાર્થીનીની હત્યાની આશંકા

TET Student Found Murdered in Sack: ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં યમુના નદીના કિનારેથી એક 26 વર્ષીય વિદ્યાર્થીનીનો કોથળામાં બંધ કરેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટના બધપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા મિહૌલી ગામ પાસે બની હતી. ગ્રામજનોની માહિતીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકની ઓળખ આગરા જિલ્લાના બાહ પોલીસ સ્ટેશન વિસ્તારના રુદમુલી ગામના રહેવાસી વિજય કુમારની 26 વર્ષીય પુત્રી વિશાખા તરીકે થઈ છે.
ઘરે પરત ન ફરતાં શોધખોળ શરૂ
પોલીસ અને પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક વિશાખા આગરાના એમએમ ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહીને TETની તૈયારી કરી રહી હતી. વિશાખાના મોટા ભાઈ વિકાસ કુમારે જણાવ્યું હતું કે, તેણે 29 સપ્ટેમ્બરના રોજ પોતાની બહેન સાથે ફોન પર વાત કરી હતી. તે સમયે વિશાખાએ 30 સપ્ટેમ્બરના રોજ ઘરે પહોંચવાનું કહ્યું હતું. પરંતુ નિયત સમયે તે ઘરે ન પહોંચતાં પરિવારજનોએ ચિંતાતુર બની તેની શોધખોળ શરૂ કરી હતી.
CCTV ફૂટેજના આધારે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ
બહેનનો કોઈ પત્તો ન મળતાં પરિવારે આગરા પહોંચીને આસપાસના લોકો પાસેથી માહિતી એકત્રિત કરી હતી. સ્થાનિક સીસીટીવી ફૂટેજ અને પ્રાથમિક વિગતોના આધારે પરિવારે આગરાના એમએમ ગેટ પોલીસ સ્ટેશનમાં વિશાખા ગુમ થયાની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ આગરા પોલીસે વિદ્યાર્થીનીની શોધખોળ માટે અલગ-અલગ ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
લેખપાલ પર હત્યાનો ગંભીર આરોપ
મૃતકના ભાઈ વિકાસ કુમારે આગરામાં તૈનાત ગ્રામ્ય એકાઉન્ટન્ટ (લેખપાલ) શિવજીત સિંહ પર પોતાની બહેનની હત્યા કરવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. પરિવારનો દાવો છે કે આરોપી લેખપાલના પરિવાર સાથે જમીન અને ગેરકાયદેસર ખાણકામની ફરિયાદોને લઈને જૂની અંગત દુશ્મનાવટ ચાલી રહી હતી. આ જ દ્વેષભાવના કારણે લેખપાલે વિશાખાની હત્યા કરીને તેના મૃતદેહને કોથળામાં બાંધીને નદીમાં ફેંકી દીધો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે.
કચોરા પુલ પરથી લાશ નદીમાં ફેંકી
પરિવારના જણાવ્યા મુજબ, આરોપી લેખપાલે આગરાના ચિત્રહાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કચોરા પુલ પરથી મૃતદેહને યમુના નદીમાં વહાવી દીધો હતો. પોલીસ આરોપીને સાથે રાખીને નદી કિનારે શોધખોળ કરી રહી હતી તે દરમિયાન, બધપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મિહૌલી ગામ પાસે યમુના કિનારેથી એક કોથળો મળી આવી હતી. કોથળો ખોલતાં જ તેમાંથી વિશાખાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઇટાવા પોલીસે તુરંત આગરા પોલીસ અને વિશાખાના પરિવારજનોને જાણ કરી હતી, જેમણે સ્થળ પર પહોંચી મૃતદેહની શનાખત કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સત્ય સામે આવશે
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીના ગુમ થવાનો મૂળ કેસ આગરા જિલ્લામાં નોંધાયેલો હતો. યમુના નદીના બહાઉમાં મૃતદેહ તણાઈને ઇટાવાના બધપુરા વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે જણાવ્યું છે કે લેખપાલ શિવજીત સિંહ સામે મુકાયેલા આરોપો, જમીન વિવાદ અને હત્યાના સમયક્રમ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ અને સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાશે.
આ પણ વાંચો: વૃંદાવનના ગુરુકુળમાં કરૂણાંતિકા: પાણીની ટાંકી સાફ કરવા ઊતરેલા 4 વિદ્યાર્થીઓના ઝેરી ગેસથી મોત












