મેદાન પર ઉતરતાં જ છવાયો પાકિસ્તાની બોલર, 7 વિકેટથી મચાવી સનસનાટી
Saqib Khan: ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવું દરેક ખેલાડીનું સપનું હોય છે, પરંતુ કેટલાક ખેલાડીઓ પોતાની પહેલી જ મેચમાં એવું પ્રદર્શન કરે છે કે ઇતિહાસમાં નામ નોંધાઈ જાય છે. પાકિસ્તાનના 31 વર્ષીય ફાસ્ટ બોલર સાકિબ ખાને પણ કંઈક આવો જ કમાલ કરી બતાવ્યો છે. શ્રીલંકા સામે રાવલપિંડી ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ મેચ રમી રહેલા સાકિબે પોતાની સ્વિંગ બોલિંગથી તરખાટ મચાવી દીધો હતો. તેણે શ્રીલંકાની એક જ ઇનિંગમાં 7 વિકેટ ઝડપી ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે.
ડેબ્યૂ ટેસ્ટમાં 7 વિકેટ ઝડપનાર પાકિસ્તાનનો ચોથો બોલર
સાકિબ ખાને શ્રીલંકાની પ્રથમ ઇનિંગમાં 34 ઓવર બોલિંગ કરી 130 રન આપીને 7 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. આ સાથે તે ટેસ્ટ ડેબ્યૂમાં 7 વિકેટ ઝડપનાર પાકિસ્તાનનો ચોથો બોલર બન્યો છે. આ પહેલાં મોહમ્મદ નઝીર, મોહમ્મદ ઝાહિદ અને અબરાર અહેમદ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
મોહમ્મદ ઝાહિદ બાદ સાકિબ ટેસ્ટ ડેબ્યૂમાં 7 વિકેટ ઝડપનાર પાકિસ્તાનનો બીજો ફાસ્ટ બોલર પણ બન્યો છે. એટલું જ નહીં, 30 કે તેથી વધુ વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરીને એક ઇનિંગમાં 7 વિકેટ ઝડપનાર તે પ્રથમ બોલર બન્યો છે.
30 વર્ષ બાદ ટેસ્ટ ડેબ્યૂમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન
-
7/130 – સાકિબ ખાન વિરુદ્ધ શ્રીલંકા, 2026
-
6/7 – સ્કોટ બોલેન્ડ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 2021
-
6/36 – બિલાલ આસિફ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2018
એક જ સ્પેલમાં બદલી નાખી મેચની સ્થિતિ
સાકિબનું સૌથી શાનદાર પ્રદર્શન મેચના ચોથા દિવસે જોવા મળ્યું હતું. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે શ્રીલંકાએ 4 વિકેટે 404 રન બનાવ્યા હતા. ધનંજય ડી સિલ્વા 167 રન અને કેપ્ટન કુસલ મેન્ડિસ 117 રન બનાવીને ક્રીઝ પર હતા. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 249 રનની મોટી ભાગીદારી થઈ હતી. પરંતુ ચોથા દિવસે સાકિબે પોતાની ઘાતક બોલિંગથી મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું. દિવસની પ્રથમ જ ઓવરમાં તેણે ધનંજય ડી સિલ્વાને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ કુસલ મેન્ડિસને 119 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો.
આટલેથી સાકિબ અટક્યો નહોતો. તેણે સોનલ દિનુષાને 20 રને આઉટ કરીને પોતાની 5 વિકેટ પૂરી કરી હતી. ત્યારબાદ લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડોને પણ આઉટ કરીને કુલ 7 વિકેટ પોતાના નામે કરી હતી. એક સમયે 404 રન પર 4 વિકેટ ગુમાવી મજબૂત સ્થિતિમાં રહેલી શ્રીલંકાની ટીમે સાકિબના તોફાની સ્પેલ સામે માત્ર 42 રનમાં છેલ્લી 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે સમગ્ર ટીમ 446 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
રાવલપિંડી ટેસ્ટ ડ્રોની દિશામાં આગળ વધી
પાકિસ્તાને પોતાની પ્રથમ ઇનિંગ 9 વિકેટે 434 રન બનાવીને ડિકલેર કરી હતી. ત્યારબાદ શ્રીલંકાએ 446 રન બનાવ્યા હતા. પાકિસ્તાને બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા. ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે પાકિસ્તાન પાસે કુલ 45 રનની સરસાઈ હતી. હવે મેચના પાંચમા અને અંતિમ દિવસે શું પરિણામ આવે છે તેના પર સૌની નજર છે.












