વૃંદાવનના ગુરુકુળમાં કરૂણાંતિકા: પાણીની ટાંકી સાફ કરવા ઊતરેલા 4 વિદ્યાર્થીઓના ઝેરી ગેસથી મોત

Vrindavan Water Tank Cleaning Tragedy: ઉત્તર પ્રદેશના પવિત્ર ધામ વૃંદાવનમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ચેતન વિહાર સ્થિત મહર્ષિ પાણિની સંસ્કૃત ગુરુકુલમમાં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓના ભૂગર્ભ પાણીની ટાંકી સાફ કરવા જતાં ઝેરી ગેસ શ્વાસમાં ભરાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં 1 અન્ય વિદ્યાર્થી પણ બેભાન થઈ ગયો હતો, જે હાલ સારવાર હેઠળ છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસએસપી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની તાકીદે નોંધ લઈ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
એકને બચાવવા જતાં એક પછી એક 4 વિદ્યાર્થીઓ ટાંકીમાં ઊતર્યા
મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે 10:00 વાગ્યાના સુમારે ગુરુકુળના વિદ્યાર્થીઓ શાળામાં આવેલી પાણીની ટાંકીમાંથી દુર્ગંધ આવતી હોવાથી તેની સફાઈ કરવા માટે નીચે ઊતર્યા હતા. ટાંકીમાં ઊતરેલો પહેલો વિદ્યાર્થી ઝેરી ગેસની અસરથી તુરંત જ બેભાન થઈ ગયો હતો. તેને અવાજ આપવા છતાં કોઈ ઉત્તર ન મળતાં, તેને બચાવવાના હેતુથી એક પછી એક અન્ય 4 વિદ્યાર્થીઓ પણ ટાંકીમાં ઊતર્યા હતા. ઝેરી વાયુના કારણે પાંચેય વિદ્યાર્થીઓ ટાંકીમાં જ બેભાન થઈ જતાં ગુરુકુળ પરિસરમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
4 વિદ્યાર્થીઓને તબીબોએ મૃત જાહેર કર્યા
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને પાંચેય વિદ્યાર્થીઓને ટાંકીમાંથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ડોક્ટરોએ 4 વિદ્યાર્થીઓને મૃત જાહેર કર્યા હતા, જેમાં મનુ કટારે (ઉંમર 20), દેવાંશ (ઉંમર 17), વિશુ (ઉંમર 18) અને આર્યન (ઉંમર 18) નો સમાવેશ થાય છે. જ્યારે રુદ્રાક્ષ (ઉંમર 18) નામના વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો છે. મૃતક વિદ્યાર્થીઓમાં મનુ અને દેવાંશ મધ્ય પ્રદેશના જબલપુર અને વિદિશાના રહેવાસી હતા, જ્યારે આર્યન કૌશામ્બી અને વિશુ મેરઠના વતની હતા.
12 ફૂટ ઊંડી ટાંકીમાં ઝેરી વાયુથી ગૂંગળામણ
જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશ સિંહે વિગતો આપતાં જણાવ્યું હતું કે, શાળામાં આશરે 12 ફૂટ ઊંડી સબમર્સિબલ પાણીની ટાંકી આવેલી છે. જેમાં સફાઈ કરવા ઊતરેલા બાળકો ગૂંગળામણને કારણે કાળનો કોળિયો બન્યા છે. તંત્ર દ્વારા ઘટનાનું ચોક્કસ કારણ જાણવા અને ગુરુકુળના સંચાલકોની ક્ષતિ નક્કી કરવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
CM યોગી દ્વારા પીડિત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી
ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તંત્રને પીડિત પરિવારોને શક્ય તમામ આર્થિક અને તબીબી સહાય પૂરી પાડવા આદેશ આપ્યા છે. પોલીસે ગુરુકુળના જવાબદાર સંચાલકો સામે ગુનો નોંધી અકસ્માત પાછળના કારણો અને બેદરકારી અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: ધરણા સ્થળ પર રાહુલે ખાધો રોલ, પ્રિયંકાએ પીધું સોફ્ટ ડ્રિંક : વીડિયો વાયરલ












