નેશનલ

જલંધરમાં કૌટુંબિક વિવાદમાં જમાઈએ ખોયો આપો: કારની ચાવી મામલે બોલાચાલી બાદ કર્યું અંધાધૂંધ ફાયરિંગ

Jalandhar Firing Incident: પંજાબના ઔદ્યોગિક મહાનગર જલંધર સ્થિત થ્રી સ્ટાર કોલોની વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે સનસનાટી મચી ગઈ હતી. અહીં એક આરોપી જમાઈએ કૌટુંબિક વિવાદ અને બોલાચાલી બાદ પોતાના સાસરિયાના ઘરે પહોંચીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હિંસક ઘટનામાં આરોપીએ પોતાના સાળા પર ગોળી ચલાવી હતી, પરંતુ વચ્ચે બચાવવા આવેલા સસરાને હાથના ભાગે ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલ સસરાની ઓળખ ઈશ્વર સિંહ તરીકે થઈ છે, જેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કારની ચાવી બાબતે તકરાર વધી

મળતી માહિતી મુજબ, આરોપી જમાઈ મનદીપ સિંહ ઉર્ફે ગિન્ની મંગળવારે સવારે આશરે 4 વાગ્યે પોતાના 3 થી 4 મિત્રો સાથે કારમાં સાસરિયાના ઘરે પહોંચ્યો હતો. સાળા ગગનદીપે જણાવ્યા અનુસાર, ગિન્ની પાસે તેના મિત્રની કાર ઘણા સમયથી પડી હતી. ઈશ્વર સિંહે ગિન્નીને ફોન કરીને આ કારની ચાવીઓ પરત માંગી હતી. પરંતુ ચાવી આપ્યા બાદ ગિન્ની સાસરિયાઓની જ કારની ચાવી બળજબરીથી માંગવા લાગ્યો હતો. પરિવારે પોતાની કાર આપવાની ના પાડી ટેક્સી કરી લેવાની સલાહ આપતા ગિન્ની ઉશ્કેરાઈ ગયો હતો અને મિત્રો સામે અપમાન થયું હોવાનું કહી ઝઘડો શરૂ કર્યો હતો.

સસરા બચાવવા વચ્ચે પડતાં હાથમાં વાગી ગોળી

બંને પક્ષો વચ્ચે દલીલો ઉગ્ર બનતાં આરોપી મનદીપ સિંહે રિવોલ્વર કાઢી સાળા પર સીધું ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પુત્રને બચાવવા વચ્ચે પડેલા સસરા ઈશ્વર સિંહના હાથમાં ગોળી વાગી હતી. આ ગોળીબારથી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આરોપીની સાસુ બલવિંદર કૌરે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમનો જમાઈ નશાનો આદી છે અને છેલ્લા 6 થી 7 મહિના કે એક વર્ષથી તેમની પુત્રીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. આ જ કૌટુંબિક અદાવતમાં જમાઈએ આ ઘાતક હુમલો કર્યો હોવાનું પરિવારે દાવો કર્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસની તપાસ પ્રક્રિયા સામે પરિવારે ઉઠાવ્યા સવાલો

ઘટના બાદ જલંધર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ રાત્રિના સમયે ઘટનાસ્થળેથી કાર્તૂસનું ખોખું મળી આવ્યું ન હતું. બુધવારે સવારે જ્યારે પરિવારે જાતે આસપાસ તપાસ કરી ત્યારે માટીમાં દાટેલું ગોળીનું ખીચું મળી આવ્યું હતું, જેનાથી પરિવારે પોલીસની પ્રારંભિક કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી તટસ્થ તપાસની માગ કરી છે. બીજી તરફ, એડીસીપી-1 મુખ્તિયાર રાયે જણાવ્યું હતું કે આ ફાયરિંગ જમાઈ મનદીપ સિંહે જ કર્યું છે અને ઈશ્વર સિંહ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ગુનો નોંધી ઘટના પાછળના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: હરદોઈ ગંગા એક્સપ્રેસવે પર અકસ્માત, IT કંપનીના વાઈસ ચેરમેન સહિત 4 લોકોના મોત

Back to top button