“જ્ઞાનેશ કુમારના નારા લગાવનારા હવે કેમ રડી રહ્યા છે?” – મતદાર યાદી વિવાદ પર સંજય સિંહનો ભાજપને કટાક્ષ

Sanjay Singh Slams CM Yogi Adityanath: ઉત્તર પ્રદેશના રાજકારણમાં મતદાર યાદીમાંથી નામો રદ કરવા અંગેનો મામલો અત્યંત ગરમાયો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે રાજ્યની મતદાર યાદીમાંથી આશરે 1.27 કરોડ હિન્દુ મતદારોના નામ ષડયંત્રપૂર્વક દૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના આ વિવાદાસ્પદ દાવો સામે આવતા જ આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે જે લોકો પહેલા ચૂંટણી પંચના અધિકારીઓના ઝિંદાબાદના નારા લગાવતા હતા, તેઓ જ હવે મત કાપવાના મુદ્દે બૂમો પાડી રહ્યા છે.
“જ્ઞાનેશ કુમાર ઝિંદાબાદના નારા લગાવનારા હવે કેમ રડી રહ્યા છે?”
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હિન્દુ મતો કાપવાના અને મુસ્લિમ મતો વધારવાના આરોપોનો સખત વિરોધ કરતા સંજય સિંહે જણાવ્યું હતું કે, જ્યારે વિપક્ષે સંસદમાં 3 કરોડથી વધુ મતો કાપવામાં આવ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે શાસક પક્ષે કાન બંધ કરી દીધા હતા. આપ સાંસદે કટાક્ષ કરતા કહ્યું કે, “આ એ જ લોકો છે જેઓ પહેલા SIR અને જ્ઞાનેશ કુમાર ઝિંદાબાદના નારા લગાવતા હતા. હવે મોદીજી અને બાબાજી (યોગીજી) વચ્ચે શું અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે તે ખબર નથી! શું તેમના કેડરે તેમને ટેકો આપવાનું બંધ કરી દીધું છે કે પછી મત નથી મળ્યા?” તેમણે ઉમેર્યું કે જો ભાજપના નેતાઓમાં હિંમત હોય તો તેમણે હવે “જ્ઞાનેશ કુમાર અમર રહો” અને “સાહેબ અમર રહો” ના નારા બોલાવવા જોઈએ.
“ગઝનવીએ સોમનાથ લૂંટ્યું, ભાજપે રામ મંદિર લૂંટ્યું”
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની અયોધ્યા મુલાકાત અંગે મીડિયા સાથે વાત કરતા સંજય સિંહે ભાજપ સામે અત્યંત તીખા બાણો છોડ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ ભગવાન શ્રી રામના મંદિરનો કોઈ સત્તાવાર દ્વારપાલ નથી. આપ સાંસદે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “મોહમ્મદ ગઝનવીએ અગાઉ સોમનાથ મંદિર લૂંટ્યું હતું, અને આજના સમયમાં ભાજપે રામ મંદિર લૂંટવાનું કામ કર્યું છે.” તેમણે આરોપ લગાવ્યો કે રામ મંદિર નિર્માણ અને જમીન ખરીદીમાં 40 ટકા જેટલું કમિશન લેવામાં આવ્યું છે તેમજ ભગવાનના ઘરેણાં અને પ્રસાદના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આપ સાંસદે ગૃહમંત્રી સામે ઉઠાવ્યો મોટો સવાલ
અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરવા અંગે વાત કરતા સંજય સિંહે જણાવ્યું હતું કે રામ મંદિર જવું એ દરેક નાગરિકની વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે. તેમણે દેશના ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા પ્રશ્ન કર્યો હતો કે, “ગૃહમંત્રી અમિત શાહે હજુ સુધી અયોધ્યા રામ મંદિરની સત્તાવાર મુલાકાત કેમ નથી લીધી? અખિલેશ યાદવ જ્યારે શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા જઈ રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ ખોટી રીતે તેમની પાછળ પડી ગયા છે.” મતદાર યાદીમાંથી નામો ગાયબ થવા અને રામ મંદિરના મુદ્દે ભાજપ અને વિપક્ષ વચ્ચે શરૂ થયેલી આ રાજકીય જંગે આગામી ચૂંટણીઓ પહેલા વાતાવરણ ગરમ કરી દીધું છે.
આ પણ વાંચો: સોનિયા ગાંધીના દાવા પર અન્ના હજારેનો પલટવાર, કહ્યું- ભાજપ કે RSS સાથે કોઈ સંબંધ નથી












