ટ્રેન્ડિંગમનોરંજન

તુષાર કપૂર પાસે ₹5 કરોડની ખંડણીની માંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી

tushar-kapoor-extortion-threat :  બોલિવૂડ અભિનેતા તુષાર કપૂર (Tushar Kapoor) પાસે ₹5 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ફોન કરનારે પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang) સાથે સંકળાયેલા હેરી બોક્સર (Harry Boxer) તરીકે આપી હતી. જોકે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં આ ફોનની પાછળ કોઈ નકલી ઓળખનો ઉપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ધમકીભર્યો ફોન મળ્યા બાદ તુષાર કપૂરે મુંબઈ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ આ મામલાની તપાસ એન્ટી-એક્સટોર્શન સેલ (Anti-Extortion Cell) અને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડની માંગણી

મળતી માહિતી મુજબ, ફોન કરનારે તુષાર કપૂરને પોતાની ઓળખ હેરી બોક્સર તરીકે આપી હતી અને તેમની પાસેથી ₹5 કરોડની માંગણી કરી હતી. ફોન કરનારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો હોવાનો દાવો કર્યો હતો. જોકે, શંકા છે કે આરોપીએ ગેંગના નામ અને તેની દહેશતનો ઉપયોગ કરીને અભિનેતાને ડરાવવાનો અને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. ‘ગોલમાલ 5’ (Golmaal 5) સાથે સંકળાયેલા અભિનેતા તુષાર કપૂરને મળેલી આ ધમકી બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

ઓડિયો રેકોર્ડિંગની તપાસમાં સામે આવી મહત્વની બાબત

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ ટીમે ધમકીભર્યા ફોનનું ઓડિયો રેકોર્ડિંગ તપાસ્યું હતું. આ અવાજની સરખામણી હેરી બોક્સરના અગાઉથી ઉપલબ્ધ સત્તાવાર ઓડિયો સેમ્પલ સાથે કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બંને અવાજ વચ્ચે મેળ ન હોવાનું સામે આવ્યું છે. આથી પોલીસને શંકા છે કે ફોન કરનારે હેરી બોક્સરની ખોટી ઓળખ ધારણ કરી હોઈ શકે છે. જોકે, આ અંગે હજુ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યો નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ફોન કરનારની ઓળખ મેળવવા પોલીસની તપાસ ચાલુ

તુષાર કપૂરે આશરે એક અઠવાડિયા પહેલાં આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. હાલમાં પોલીસ ફોન કરનાર વ્યક્તિની ઓળખ અને આ ધમકી પાછળના મૂળ કારણની તપાસ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કોઈ એફઆઈઆર (FIR) નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફ (Tiger Shroff) સાથે જોડાયેલી ગોળીબારની ઘટના બાદ આ મામલો સામે આવ્યો છે. તે ઘટનાની તપાસ પણ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.

આ પણ વાંચો : તિહાર જેલમાં જીવનું જોખમ હોવાનો આફતાબનો દાવો, કોર્ટ પાસે માંગી સુરક્ષા

Back to top button