ભત્રીજાના મોતથી હની સિંહ ભાંગી પડ્યા! દુબઈથી દોડી આવ્યા, પરિવારને ભેટીને રડી પડ્યા

Honey Singh Nephew Death : પ્રખ્યાત રેપર યો યો હની સિંહ (Yo Yo Honey Singh) પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના ભત્રીજા દિવિત ઔલખનું પંજાબના જલંધરમાં થયેલા માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ સમાચાર મળતાં જ હની સિંહ દુબઈમાં પોતાના કામકાજ વચ્ચે છોડીને પરિવાર પાસે પહોંચી ગયા હતા. જલંધરમાં પરિવારને મળવા પહોંચેલા હની સિંહના કેટલાક ભાવુક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
View this post on Instagram
પરિવારને ભેટીને રડી પડ્યા હની સિંહ
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં હની સિંહ કારમાંથી ઉતરીને પરિવારના સભ્ય દિનેશ ઔલખ તરફ જતા જોવા મળે છે. તેમણે દિનેશને ગળે લગાવી લીધા હતા. આ દરમિયાન બંનેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ભત્રીજાના મોતથી હની સિંહ પણ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. તેમણે આ મુશ્કેલ સમયમાં પરિવારને સાંત્વના આપી હતી.

ભત્રીજાની બાળપણની તસવીર શેર કરી
દિવિતના નિધન બાદ હની સિંહે સોશિયલ મીડિયા પર તેની બાળપણની એક જૂની તસવીર શેર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તસવીરમાં નાનો દિવિત હની સિંહના હાથને પકડીને મસ્તી કરતો જોવા મળે છે. તસવીર સાથે હની સિંહે ભાવુક સંદેશ લખ્યો હતો. તેમણે ‘RIP. સાડા પુત્તર’ લખીને ભત્રીજાને યાદ કર્યો હતો.
કેવી રીતે થયો હતો અકસ્માત?
મળતી માહિતી મુજબ, 18 વર્ષનો દિવિત ઔલખ 1 નવેમ્બર, 2026ના રોજ વહેલી સવારે મિત્રો સાથે જન્મદિવસની પાર્ટીમાંથી કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન જલંધરના પોલીસ લાઇન્સ વિસ્તાર નજીક ફ્લાયઓવર પર તેમની વોક્સવેગન જેટા (Volkswagen Jetta) કાર રસ્તા પર ઊભેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માત વહેલી સવારે આશરે 3 વાગ્યે થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં સવાર દિવિત અને તેનો 19 વર્ષનો મિત્ર આરવ તલવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, કારની ગતિ વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જોકે, અકસ્માત કેવી રીતે અને કયા સંજોગોમાં થયો તેની તપાસ હજુ ચાલી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
3 નવેમ્બરે અંતિમ સંસ્કાર
દિવિત ઔલખ સ્પીડ રેકોર્ડ્સ (Speed Records) મ્યુઝિક લેબલના માલિક અને મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ઔલખનો પુત્ર હતો. મળેલી માહિતી મુજબ, દિવિતના અંતિમ સંસ્કાર 3 નવેમ્બર, 2026ના રોજ બપોરે 1 વાગ્યે કરવામાં આવશે. તેના નિધનથી પરિવાર અને નજીકના લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો : અમરેલીમાં બે મજૂરોના રહસ્યમય મોત! સળગેલી ગાડીમાંથી મળ્યા અડધા બળેલા મૃતદેહ












