ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ

Ahmedabad Jail Bomb Threat: ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા શખસે ઈ-મેઇલ મારફતે આ ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. ધમકીભર્યો ઈ-મેઇલ DGP ઓફિસને મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. રાજ્યની તમામ જેલોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, ઈ-મેઇલમાં જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરની રાજ્ય સરકારની કચેરી, કલેક્ટર કચેરી અને એક મંદિરને પણ નિશાન બનાવવાની ધમકી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઈ-મેઇલમાં ‘2008ને ભૂલતા નહીં’ તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ધમકી ખાલિસ્તાનના નામે મોકલવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે.

જેલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ

ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસની ટીમ જેલ પર પહોંચી હતી. હવે રાજ્યની વિવિધ જેલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે જેલ પરિસર અને આસપાસના વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે.

હાલ પોલીસ દ્વારા ઈ-મેઇલના સ્ત્રોત અને ધમકી પાછળ કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક બનાવવામાં આવી છે.

સાત દિવસ પહેલાં અમદાવાદની 8 સ્કૂલોને પણ મળી હતી ધમકી

ઉલ્લેખનીય છે કે, આશરે સાત દિવસ પહેલાં અમદાવાદની અનેક શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેમાં સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઇટની વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન. વિદ્યાલય સહિત કુલ 8 શાળાઓનો સમાવેશ થતો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દિલજીતના કોન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઈ-મેઇલ

આ ઉપરાંત 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને પણ ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈ-મેઇલમાં ‘બચ્ચન બોમ્બેમાં અને દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યા જશે’ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.

એક પછી એક મળી રહેલી આવી ધમકીઓના પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. જોકે, હાલ આ ધમકીઓની વિશ્વસનીયતા અને તેની પાછળના લોકો અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: કરોડપતિ વેપારીની હત્યામાં મોડેલ શ્રદ્ધા દુબેના ચોંકાવનારા ખુલાસા! શિવા શર્માને કપડાં ઉતરાવી લિપસ્ટિક લગાવી

Back to top button