ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મિડલ ઈસ્ટમાં ફરી ભડકી યુદ્ધની આગ! અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો, હોર્મુઝની ખાડીમાં આવેલા કેશમ ટાપુ પર અનેક ધડાકા

Iran US Conflict: મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને સમગ્ર વિસ્તારમાં મોટા યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. મંગળવારે સવારે સામે આવેલા અહેવાલો અનુસાર, અમેરિકાએ ઈરાન પર ફરી એકવાર મોટો સૈન્ય હુમલો કર્યો છે. અહેવાલો મુજબ, અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં આવેલા ઈરાનના કેશમ ટાપુ પર હુમલા કર્યા હતા, જ્યાં અનેક જોરદાર ધડાકા સંભળાયા હતા. ઈરાનની સરકારી મીડિયાએ પણ કેશમ ટાપુ પર અનેક વિસ્ફોટ થયાની પુષ્ટિ કરી છે. આ ઘટનાને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી સીધા સૈન્ય સંઘર્ષની આશંકા વધી છે.

કેશમ ટાપુ પર અનેક વિસ્ફોટ, અમેરિકાએ ઈરાની ઠેકાણાંને બનાવ્યાં નિશાન

પ્રાપ્ત અહેવાલો અનુસાર, હોર્મુઝની ખાડીમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વ ધરાવતા કેશમ ટાપુ પર અનેક વિસ્ફોટ થયા હતા. અમેરિકન સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (AP)ના અહેવાલ મુજબ, એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં ઈરાનનાં કેટલાંક ઠેકાણાં પર રક્ષણાત્મક હુમલા કર્યા છે.

બીજી તરફ, ઈરાનની સરકારી મીડિયાએ પણ ટાપુ પર વિસ્ફોટ થયાની પુષ્ટિ કરી છે. જોકે, હુમલામાં થયેલા નુકસાન અને જાનહાનિ અંગેની સત્તાવાર વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.

ટ્રમ્પે ઈરાન પર ફરી હુમલાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં સંકેત આપ્યા હતા કે ઈરાન સામે ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાનો વિકલ્પ ખુલ્લો છે. આ નિવેદન બાદથી જ મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ શરૂ થવાની અટકળો તેજ બની હતી.

અહેવાલો અનુસાર, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ ઈરાન સામે મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવા માટે ટ્રમ્પ પર દબાણ બનાવી રહ્યા હતા. ખાસ કરીને અમેરિકામાં યોજાનારી મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કરવાની દિશામાં ઇઝરાયેલ પ્રયાસ કરી રહ્યું હોવાની ચર્ચા હતી.

અમેરિકાએ સહયોગી દેશોને એલર્ટ રહેવા સૂચના આપી

ઈરાન સામે સંભવિત નવી સૈન્ય કાર્યવાહી અને તેના જવાબમાં ઈરાન દ્વારા કરવામાં આવી શકે તેવી વળતી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પશ્ચિમ એશિયાના અનેક દેશો અને પોતાના પ્રાદેશિક સહયોગીઓને સાવચેત રહેવા જણાવ્યું હોવાના અહેવાલો અગાઉ સામે આવ્યા હતા.

અમેરિકન અધિકારીઓએ સહયોગી દેશોને સંભવિત હુમલાઓ અને તેના પરિણામોનો સામનો કરવા તૈયાર રહેવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાક્રમ દર્શાવે છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી ગંભીર તબક્કામાં પ્રવેશી રહ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નેતન્યાહૂ ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ કાર્યવાહીનું દબાણ વધારી રહ્યા છે?

APના અહેવાલ મુજબ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન સામે ફરી મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરવા માટે દબાણ કરી રહ્યા છે.

નેતન્યાહૂ ઈચ્છે છે કે અમેરિકાની મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન સામે નવા હવાઈ હુમલાઓ શરૂ કરવામાં આવે. જોકે, મિડલ ઈસ્ટના અનેક અમેરિકન સહયોગી દેશો આ પ્રકારના હુમલાના વિરોધમાં હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે.

આ દેશોને આશંકા છે કે ઈરાન પર ફરીથી મોટો હુમલો કરવામાં આવશે તો તેની ગંભીર પ્રતિક્રિયા આવી શકે છે અને સમગ્ર મિડલ ઈસ્ટમાં અસ્થિરતા ફેલાઈ શકે છે.

હોર્મુઝની ખાડી પર દુનિયાની નજર, વૈશ્વિક અર્થતંત્ર પર પડી શકે અસર

હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્ત્વના દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. ખાસ કરીને વૈશ્વિક ક્રૂડ ઓઇલ અને ઊર્જા પુરવઠાનો મોટો હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે. આ વિસ્તારમાં કોઈ મોટો સૈન્ય સંઘર્ષ સર્જાય અથવા દરિયાઈ પરિવહન ખોરવાય તો તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ, ઇંધણના પુરવઠા અને વૈશ્વિક અર્થતંત્ર પર પડી શકે છે.

હાલ કેશમ ટાપુ પર થયેલા વિસ્ફોટ અને અમેરિકાની કથિત સૈન્ય કાર્યવાહી બાદ સમગ્ર વિશ્વની નજર અમેરિકા અને ઈરાનનાં આગામી પગલાં પર છે. જો બંને દેશો વચ્ચે તણાવ વધુ વધશે તો મિડલ ઈસ્ટ ફરી એકવાર મોટા યુદ્ધની આગમાં હોમાઈ શકે છે.

આ પણ વાંચો: ક્રિકેટ જગતમાં એક યુગનો અંત: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

Back to top button