ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

નેપાળમાં મોટી દુર્ઘટના: લેન્ડિંગ સમયે બે હેલીકોપ્ટર અથડાયા, એકનું મોત

નેપાળ: નેપાળમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સોલુખુંબુ જિલ્લાના ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં એક વિદેશી નાગરિકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને હેલિકોપ્ટરનાં પંખાં એકબીજા સાથે અથડાતાં જોવા મળે છે. અકસ્માત બાદ સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી.

ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ દરમિયાન બંને હેલિકોપ્ટર અથડાયાં

પ્રાપ્ત માહિતી અનુસાર, નેપાળના સોલુખુંબુ જિલ્લામાં આવેલા ખુમ્બુ પાસાંગ લ્હામુ વિસ્તારમાં ફેરીચે હેલિપેડ પર આ અકસ્માત થયો હતો. ફિસ્ટેલ એર અને ડાયનેસ્ટી એરનાં બે હેલિકોપ્ટર લેન્ડિંગ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક બંનેનાં રોટર બ્લેડ (પંખાં) એકબીજા સાથે અથડાઈ ગયાં હતાં.

ટક્કર એટલી ગંભીર હતી કે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત સમયે હેલિપેડની આસપાસ કેટલાક લોકો હાજર હતા. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં હેલિકોપ્ટર વચ્ચેની ટક્કરની ઘટના કેદ થઈ છે.

એક વિદેશી નાગરિકનું મોત, એક વ્યક્તિ ઘાયલ

આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ છે. શરૂઆતમાં મૃતકની ઓળખ અંગે સ્પષ્ટતા થઈ નહોતી. જોકે, સોલુખુંબુના પોલીસ ઇન્સ્પેક્ટર મૌસમ તમાંગના જણાવ્યા મુજબ, મૃતક વિદેશી નાગરિક છે.

મૃતકનો મૃતદેહ પ્રભુ હેલિકોપ્ટર દ્વારા લુકલા લઈ જવામાં આવ્યો હતો. બીજી તરફ, અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને સારવાર માટે માઉન્ટેન હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

નેપાળના નાગરિક ઉડ્ડયન વિભાગે તપાસ શરૂ કરી

નેપાળ નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના માહિતી અધિકારી જ્ઞાનન્દ્ર ભુલના જણાવ્યા અનુસાર, ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ દરમિયાન બંને હેલિકોપ્ટરનાં પંખાં અથડાયાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

સોલુખુંબુ જિલ્લા પોલીસ કચેરીના ડીએસપી નવીનરાજ બુઢાથોકીએ પણ અકસ્માતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે ખુમ્બુ પાસાંગ લ્હામુના ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ દરમિયાન બંને હેલિકોપ્ટરના પંખાં અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

હાલ અકસ્માત કેવી રીતે થયો, બંને હેલિકોપ્ટરની સ્થિતિ શું હતી અને દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માતનો વીડિયો સામે આવતાં ચકચાર

આ ભયાનક અકસ્માતનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં હેલિપેડ નજીક લોકોની હાજરીમાં બંને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થતી જોવા મળે છે.

હાલ નેપાળનું નાગરિક ઉડ્ડયન તંત્ર અને પોલીસ અકસ્માત અંગે વધુ વિગતો એકત્રિત કરી રહ્યાં છે. મૃતક વિદેશી નાગરિકની ઓળખ અને અકસ્માતની સંપૂર્ણ વિગતો અંગે સત્તાવાર તપાસ બાદ વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: દિવાળી પહેલાં અમદાવાદીઓને મોટી ભેટ! SG હાઈવે પર કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી જતો બ્રિજ 6 નવેમ્બર સુધી ખુલવાની શક્યતા

Back to top button