ટ્રેન્ડિંગબિઝનેસ

ફ્લાઇટ ટિકિટમાં છુપા ચાર્જ પર લાગશે લગામ, 2027થી સંપૂર્ણ હિસાબ આપવો ફરજિયાત

Airline Ticket Rules  :  હવાઈ મુસાફરી માટે ટિકિટ બુક કરતી વખતે શરૂઆતમાં ભાડું ઓછું દેખાય છે, પરંતુ ટેક્સ, સર્વિસ ફી અને અન્ય ચાર્જ ઉમેરાયા પછી તેની કિંમત વધી જાય છે. આ ઉપરાંત ટિકિટ રદ કરાવતી વખતે કેટલા પૈસા કપાશે અને કેટલું રિફંડ મળશે તેની માહિતી પણ મુસાફરો માટે મહત્વપૂર્ણ હોય છે. હવે આ બાબતોમાં વધુ પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ એરલાઇન્સે ટિકિટ બુકિંગ સમયે મુસાફરોને ભાડાની સંપૂર્ણ વિગતો આપવી પડશે. આ નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે.

ટિકિટના દરેક ચાર્જની માહિતી આપવી પડશે

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 31 ઓક્ટોબરે ભારતીય વિમાન નિયમો (Bharatiya Vayuyan Niyam), 2026 જાહેર કર્યા છે. તેના નિયમ 192 હેઠળ ટિકિટના ભાડામાં પારદર્શિતા રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમ મુજબ એરલાઇન્સે પોતાની બુકિંગ વેબસાઇટ પર અને ટિકિટ જારી કરતી વખતે કુલ ભાડા સાથે દરેક ચાર્જની અલગ માહિતી આપવી પડશે. તેમાં મૂળ ભાડું (Base Fare), સરકારી કર (Taxes), સર્વિસ ફી (Service Fee), ટિકિટ રદ કરવાનો ચાર્જ (Cancellation Charges), રિફંડની શરતો અને અન્ય ખર્ચનો સમાવેશ થશે.

આથી મુસાફરોને ટિકિટ માટે ચૂકવવામાં આવતી રકમ કયા ખર્ચ માટે લેવામાં આવી રહી છે તેની સ્પષ્ટ જાણકારી મળશે.

ખાસ સંજોગોમાં સરકાર ભાડા અંગે નિર્ણય લઈ શકશે

નવા નિયમોમાં સરકારને હવાઈ ભાડા અંગે દરમિયાનગીરી કરવાની સત્તા પણ આપવામાં આવી છે. જો કોઈ અસામાન્ય પરિસ્થિતિ ઊભી થાય અને જનહિતમાં પગલાં લેવાની જરૂર જણાય, તો કેન્દ્ર સરકાર એરલાઇન્સને લેખિત સૂચના આપી શકશે. આ સૂચનાઓ દ્વારા સરકાર હવાઈ ભાડા અંગે જરૂરી નિર્ણય લઈ શકશે. જોકે, આ સત્તાનો ઉપયોગ કરતી વખતે બે બાબતોનું ધ્યાન રાખવું પડશે. સરકારનો નિર્ણય ઊભી થયેલી પરિસ્થિતિને અનુરૂપ હોવો જોઈએ અને સૂચના માત્ર નક્કી કરેલી સમયમર્યાદા સુધી જ અમલમાં રહેશે.

DGCA રાખશે હવાઈ ભાડા પર નજર

નવા નિયમો હેઠળ એરલાઇન્સે પોતાના ભાડાની વિગતો નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને નક્કી કરેલી પ્રક્રિયા મુજબ આપવી પડશે. આ ઉપરાંત પોતાની વેબસાઇટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ભાડાની માહિતી જાહેર કરવી પડશે. DGCA એરલાઇન્સ દ્વારા નક્કી કરવામાં આવતા ભાડા પર નજર રાખશે. જોકે, તેનો અર્થ એવો નથી કે સરકાર દરેક ટિકિટનું ભાડું નક્કી કરશે. સામાન્ય સંજોગોમાં એરલાઇન્સને ભાડું વધારવા માટે દર વખતે સરકારની મંજૂરી લેવાની પણ જરૂર રહેશે નહીં. સરકારને દરમિયાનગીરી કરવાની સત્તા ખાસ પરિસ્થિતિ અને જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.

90 વર્ષ જૂના નિયમોની જગ્યા લેશે નવા નિયમો

ભારતીય વિમાન નિયમો, 2026નો અમલ 1 જાન્યુઆરી, 2027થી થશે. આ નવા નિયમો 1937ના એરક્રાફ્ટ રૂલ્સનું સ્થાન લેશે. આ પહેલાં ભારતીય વિમાન અધિનિયમ, 2024 દ્વારા લગભગ 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટ, 1934નું સ્થાન લેવામાં આવ્યું હતું. આ કાયદો 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવ્યો હતો. હવે નવા નિયમો લાગુ થતાં દેશના ઉડ્ડયન ક્ષેત્રનું નિયમન વધુ વ્યવસ્થિત બનશે.

આ પણ વાંચો : ક્રિકેટ જગતમાં એક યુગનો અંત: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

Back to top button