દિવાળી પહેલાં અમદાવાદીઓને મોટી ભેટ! SG હાઈવે પર કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી જતો બ્રિજ 6 નવેમ્બર સુધી ખુલવાની શક્યતા

અમદાવાદ: શહેરના એસ.જી. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો માટે દિવાળી પહેલાં રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી તરફ જતો નવો બ્રિજ આગામી 6 નવેમ્બર સુધી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ હાઈવેના અધિકારીઓની તાજેતરમાં મળેલી બેઠકમાં બ્રિજને દિવાળી પહેલાં ટેમ્પરરી ધોરણે શરૂ કરવા માટે સંબંધિત ટીમને સૂચના આપવામાં આવી છે. જો આ નિર્ણય અમલમાં આવશે તો દિવાળીના તહેવારો દરમિયાન એસ.જી. હાઈવે પર ટ્રાફિકની સમસ્યામાં વાહનચાલકોને મોટી રાહત મળી શકે છે.
દિવાળી પહેલાં બ્રિજ શરૂ કરવા નેશનલ હાઈવેના અધિકારીઓની કવાયત
એસ.જી. હાઈવે અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક છે. દિવાળીના તહેવારો દરમિયાન ખરીદી, ફરવા જવા અને અન્ય કામકાજ માટે લોકોની અવરજવર વધતાં આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ પણ વધી જાય છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી તેને વાહનચાલકો માટે વહેલી તકે ખુલ્લો મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ મામલે નેશનલ હાઈવેના અધિકારીઓએ ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન સાધ્યું છે. બ્રિજ શરૂ થયા બાદ વાહનોની અવરજવર કેવી રીતે કરવામાં આવશે અને ટ્રાફિકનું સંચાલન કેવી રીતે થશે તે અંગે પણ તૈયારી કરવામાં આવી રહી છે.
બ્રિજ નીચેની પાણીની પાઇપલાઇનનું કામ દિવાળી પછી થશે
બીજી તરફ, પ્રહલાદનગર ચાર રસ્તા પાસે બ્રિજના પિલર નીચે આવેલી પાણીની પાઇપલાઇનનું કામ દિવાળી પછી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મુદ્દે નેશનલ હાઈવેના અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચર્ચા થઈ હતી કે જો પાઇપલાઇનનું કામ દિવાળી પહેલાં કરવામાં આવે તો પાણીના પુરવઠા માટે શટડાઉન લેવું પડી શકે છે.
આ કામગીરીને કારણે આશરે 48 કલાક સુધી સંબંધિત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ શકે છે. દિવાળીના તહેવારો દરમિયાન લોકોને પાણીની મુશ્કેલી ન પડે તે હેતુથી આ કામગીરી મુલતવી રાખીને દિવાળી પછી હાથ ધરવાનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે.
કેવી રીતે થશે પાઇપલાઇન બદલવાની કામગીરી?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાઇપલાઇનની કામગીરી માટે બ્રિજ બંધ કરવાની જરૂર નહીં પડે. આ સમગ્ર કામ બ્રિજની નીચે કરવામાં આવશે.
- હાલની જૂની પાઇપલાઇનને બહાર કાઢવામાં નહીં આવે, પરંતુ તેને ડેડ એટલે કે કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.
- બે ગાળા વચ્ચે ખાડો કરીને નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવશે.
- નવી પાઇપલાઇનનું કનેક્શન જોડીને પાણી પુરવઠાની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.
- કામગીરી દરમિયાન નીચેના રોડ પર જરૂરિયાત મુજબ થોડું ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવશે.
દિવાળી પછી સામાન્ય રીતે વાહનવ્યવહારનું ભારણ પ્રમાણમાં ઓછું રહેતું હોવાથી આ કામગીરી દરમિયાન ટ્રાફિકનું સંચાલન સરળતાથી થઈ શકે તેવી ગણતરી રાખવામાં આવી છે.
ઔપચારિક લોકાર્પણ નહીં, ટેમ્પરરી ઓપનિંગની શક્યતા
બ્રિજ શરૂ કરવા અંગે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેનું ઔપચારિક લોકાર્પણ થાય તે પહેલાં જ તેને ટેમ્પરરી ધોરણે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવી શકે છે.
સામાન્ય રીતે અમદાવાદમાં મોટા બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી અથવા કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવતું હોય છે. જોકે, ટેમ્પરરી ઓપનિંગમાં કોઈ મોટા કાર્યક્રમ વિના માત્ર વાહનવ્યવહાર શરૂ કરી દેવામાં આવે છે.
બ્રિજનું ઔપચારિક લોકાર્પણ ક્યારે અને કોના હસ્તે કરવામાં આવશે તે અંગેનો નિર્ણય ઉચ્ચ સ્તરે લેવામાં આવશે. હાલ પ્રોજેક્ટ સંબંધિત વિગતો અને મંજૂરીઓ અંગેની પ્રક્રિયા ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
6 નવેમ્બર સુધીમાં બ્રિજ શરૂ થશે? વાહનચાલકોની નજર નિર્ણય પર
હાલની તૈયારીઓ અને અધિકારીઓ વચ્ચે થયેલી ચર્ચાને જોતાં આગામી 6 નવેમ્બર સુધીમાં કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી તરફ જતો બ્રિજ ટેમ્પરરી ધોરણે શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, બ્રિજ કઈ તારીખે અને કઈ રીતે ખુલ્લો મૂકવામાં આવશે તે અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જો દિવાળી પહેલાં બ્રિજ શરૂ થઈ જશે તો એસ.જી. હાઈવે પરથી પસાર થતા હજારો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી શકે છે. હવે સૌની નજર નેશનલ હાઈવે અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓના અંતિમ નિર્ણય પર છે.











