ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

NIAનો ખુલાસો; પહેલગામ હુમલામાં ડ્રોનથી પહોંચ્યા હતા હથિયારો

NIAનો ખુલાસો: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગયા વર્ષે થયેલા ભયાનક આતંકી હુમલાને લઈને NIAએ મોટો ખુલાસો કર્યો છે. તપાસ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે નિયંત્રણ રેખા (LoC) પાર કરીને પહોંચાડવામાં આવ્યા હતા. આ હુમલામાં કુલ 26 લોકોના મોત થયા હતા.

NIAની તપાસ મુજબ આતંકીઓ સુધી હથિયારો સીધા તેમના સ્થાનિક સહયોગીઓ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં જણાવાયું છે કે બારામુલાના ગોગલ ડોરા જંગલ વિસ્તારમાં ડ્રોન દ્વારા હથિયારો અને રોકડ રકમ છોડવામાં આવી હતી, જેને બાદમાં આતંકી નેટવર્ક સુધી પહોંચાડવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ડ્રોનથી હથિયારો મોકલવાની નવી રણનીતિ

સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની એજન્સીઓ હવે ઘુસણખોરીના પરંપરાગત રસ્તાઓ છોડીને ડ્રોન ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરી રહી છે. LoC પર સુરક્ષા કડક બનતા હવે ડ્રોન મારફતે હથિયારો, રોકડ અને અન્ય સામગ્રી પહોંચાડવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે 2024 દરમિયાન ગોગલ ડોરા વિસ્તારમાં 20 ચાઇનીઝ પિસ્તોલ, 15 લાખ રૂપિયાની રોકડ અને ચાઇનીઝ ડ્રોન પણ ડ્રોપ કરવામાં આવ્યા હતા.

માનવ ઇન્ટેલિજન્સની નબળાઈ સામે આવી

સુરક્ષા નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રાઉન્ડ લેવલ પર માનવ ઇન્ટેલિજન્સમાં ઘટાડો થયો છે. તેના કારણે આતંકીઓ લાંબા સમય સુધી કાશ્મીર ઘાટીમાં સરળતાથી ફરી રહ્યા હતા અને સુરક્ષા એજન્સીઓને તેની ચોક્કસ માહિતી મળી શકી નહોતી.

રિપોર્ટ મુજબ આતંકીઓ પહેલગામની બૈસરન ઘાટીમાં હુમલા પહેલાં સ્થાનિક લોકો વચ્ચે ભળી ગયા હતા. પરંતુ મજબૂત લોકલ નેટવર્કના અભાવે સુરક્ષા દળોને સમયસર માહિતી મળી શકી નહોતી.

ગુજ્જર-બક્કરવાલ સમુદાયની ભૂમિકા ઘટી?

નિષ્ણાતોના મતે પહેલાં ગુજ્જર બક્કરવાલ સમુદાય સુરક્ષા એજન્સીઓ માટે મહત્વપૂર્ણ માહિતી આપતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ નબળી પડતાં પીર પંજાલ સહિતના વિસ્તારોમાં આતંકી ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે.

અમરનાથ યાત્રા પહેલાં સુરક્ષા કડક

આ ખુલાસા બાદ અમરનાથ યાત્રાની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. પોલીસ અને CRPF દ્વારા કુલગામથી ગાંધીરબલ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન કેટલાક શંકાસ્પદ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સુરક્ષા એજન્સીઓ હવે ડ્રોન આધારિત આતંકી મોડ્યુલ સામે નવી રણનીતિ પર કામ કરી રહી છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં મોડી રાત સુધી ચાલી હર્ષ સંઘવીની બેઠક, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

Back to top button