વલસાડના ચણવઈ હાઈવે પર દારૂ ભરેલો આઇશર ટેમ્પો ઝડપાયો, ચાલક ફરાર

Valsad Liquor Seizure : વલસાડના ચણવઈ હાઈવે પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી કરીને દારૂનો જથ્થો ભરેલો આઇશર ટેમ્પો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગોઠવાયેલી વોચ દરમિયાન ટેમ્પોમાંથી દારૂની 1,023 પેટીઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹94.86 લાખ હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ ટેમ્પોને અટકાવવાનો પ્રયાસ કરે તે પહેલાં ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
સુરત તરફ જતો ટેમ્પો જોઈ પોલીસે ગોઠવી વોચ
પોલીસ ફરિયાદ મુજબ, ગુરુવાર, 22 ઑક્ટોબરના રોજ મળેલી બાતમીના આધારે વલસાડ LCBની ટીમે ચણવઈ હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન સુરત તરફ જઈ રહેલો બાતમીમાં જણાવેલો આઇશર ટેમ્પો નજરે પડ્યો હતો. પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતાં ચાલકે ટેમ્પો પૂરઝડપે હંકારી મૂક્યો હતો. પકડાઈ જવાના ડરે ચાલક થોડે દૂર ટેમ્પો મૂકીને ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસની ટીમે વાહનની તપાસ કરતાં અંદરથી દારૂની 1,023 પેટીઓ મળી આવી હતી.
દારૂ અને ટેમ્પો સહિત ₹1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ગણતરી કરતાં દારૂની કિંમત ₹94.86 લાખ હોવાનું જાણવા મળ્યું હતું. દારૂ ભરેલો આઇશર ટેમ્પો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, દારૂ અને વાહન સહિત કુલ ₹1.04 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટેમ્પોના નંબરના આધારે ચાલકની શોધખોળ
LCBએ દારૂ ભરેલો ટેમ્પો આગળની કાર્યવાહી માટે વલસાડ રૂરલ પોલીસને સોંપ્યો છે. આ મામલે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી ટેમ્પોચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલ પોલીસ વાહનના નંબરના આધારે ફરાર ચાલક સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : દિવાળીએ ડ્રાયફ્રૂટ મોંઘાં, બદામ-પિસ્તાના ભાવમાં મોટો ઉછાળો, અંજીર 75 ટકા સસ્તાં












