નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માત: સોનમર્ગથી શ્રીનગર જતી ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 12 ઘાયલ!

Sonamarg Srinagar Tourist Tempo Traveller Accident: જમ્મુ-કાશ્મીરના જાણીતા પ્રવાસન સ્થળ સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહેલા પ્રવાસીઓ માટે મંગળવારનો દિવસ એક ભયાનક દુર્ઘટના લઈને આવ્યો હતો. 18 પ્રવાસીઓને લઈને જઈ રહેલી એક ટેમ્પો ટ્રાવેલર ગાડી ગાંદરબલ જિલ્લાના કંગન વિસ્તારમાં ગુંડ સુંબલ પાવર હાઉસ પાસે અચાનક અનિયંત્રિત થઈને આશરે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં વાહનચાલક સહિત કુલ 12 જેટલા પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 6 લોકોની પ્રાસંગિક તબિયત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં ગુજરાત (અમદાવાદ અને સુરત), પશ્ચિમ બંગાળ તેમજ પંજાબના ગુરદાસપુરના પ્રવાસીઓ સપડાયા હતા, જેના કારણે ભારે હડકંપ મચી ગયો છે.

સ્થાનિકો અને પોલીસની સરાહનીય કામગીરી

વાહન ખીણમાં પડ્યાની સાથે જ આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, પરંતુ સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અકસ્માતના ભયાનક દ્રશ્યો વચ્ચે ઘાયલોને બહાર કાઢવા માટે સોનમર્ગ, ગુંડ અને ગનીવાન સહિતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સો બોલાવવામાં આવી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક પીએચસી (PHC) ગુંડ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમે તેમને પ્રાથમિક તબીબી સહાય પૂરી પાડી હતી. જો કે, ગંભીર ઈજાઓને ધ્યાનમાં રાખીને તમામ ઘાયલોને વધુ અને વિશેષ સારવાર માટે એસકેઆઈએમએસ (SKIMS) સૌરા, શ્રીનગર રિફર કરવામાં આવ્યા હતા.

વાહને વધુ ગતિને કારણે કાબુ ગુમાવ્યો હોવાની પ્રાથમિક આશંકા

કંગન વિસ્તારના એસડીપીઓ (SDPO) રાજેશ રૈનાએ આ દુર્ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે પીએચસી ગુંડ લાવ્યા બાદ ઉચ્ચ સ્તરીય સારવાર માટે એસકેઆઈએમએસ શ્રીનગર મોકલી આપવામાં આવ્યા છે, જ્યાં 6 લોકોની હાલત હજુ પણ ગંભીર બનેલી છે. અકસ્માત સર્જાવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસ અને મૂલ્યાંકન પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાહનની ઓવરસ્પીડના કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હશે, જેના કારણે આ મોટી દુર્ઘટના ઘટી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ ભયાનક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પ્રવાસીઓમાં અમદાવાદના રમેશભાઈ, તેમના પત્ની શારદાબેન, શોભાબેન, રાજેશ કુમાર અને તેમના પત્નીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરતના રહેવાસી સુભાષ ચંદ્રના પુત્ર દયેશા, મુકેશભાઈ, તેમના પત્ની કલાબેન અને પુત્ર રોહનભાઈ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. આ સિવાય પશ્ચિમ બંગાળના સ્વર્ણદ્યુતિ ઘોષ, માલા ઘોષ, સુરજીત ઘોષ અને પંજાબના ગુરદાસપુરના અમ્રિક સિંહના પુત્ર જગદીશનો પણ ઘાયલોમાં સમાવેશ થાય છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર ઘટના પાછળના વાસ્તવિક કારણો શોધવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: ચોરીનો ચોંકાવનારો કિસ્સો : પુત્રવધુએ Iphone માટે ઘરમાં કરી ચોરી, FIR નોંધાઈ

Back to top button