AMCની તિજોરી છલકાઈ, સાત મહિનામાં 1730 કરોડની ટેક્સ ઈન્કમ નોંધાઈ

Municipal Tax Revenue : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં વેરાની આવકથી મોટી રાહત મળી છે. શહેરના નાગરિકોએ પ્રોપર્ટી ટેક્સ સહિતના વિવિધ વેરાની નિયમિત ચુકવણી કરતાં મ્યુનિ.ની તિજોરીમાં અત્યાર સુધી રૂ.1730 કરોડની આવક નોંધાઈ છે. ગત વર્ષની સરખામણીએ વેરા વસૂલાતમાં પણ વધારો થયો છે.
સાત મહિનામાં 72.79 ટકા વેરા વસૂલાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો પાસેથી પ્રોપર્ટી ટેક્સ (Property Tax), પ્રોફેશનલ ટેક્સ (Professional Tax) અને વ્હીકલ ટેક્સ (Vehicle Tax) વસૂલવામાં આવે છે. આ ઉપરાંત મિલકતના નામ ટ્રાન્સફર કરવા બદલ ફી પણ લેવામાં આવે છે. આ ચારેય પ્રકારની આવક મળીને અત્યાર સુધી રૂ.1730 કરોડ થઈ છે. વર્ષ 2025-26 દરમિયાન મ્યુનિ.ને રૂ.2377 કરોડની આવક થઈ હતી. તેની સામે ચાલુ વર્ષના માત્ર સાત મહિનામાં જ 72.79 ટકા જેટલી આવક નોંધાઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગત વર્ષની સરખામણીએ રૂ.163 કરોડ વધુ વસૂલાત
અમદાવાદના સાતેય ઝોનમાંથી ગત વર્ષે આ સમયગાળા દરમિયાન પ્રોપર્ટી અને પ્રોફેશનલ ટેક્સ મળીને રૂ.1547.35 કરોડની વસૂલાત થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે આ આંકડો વધીને રૂ.1710.78 કરોડ થયો છે. આમ, ગત વર્ષની સરખામણીએ રૂ.163.43 કરોડની વધુ વસૂલાત નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે શહેરના નાગરિકો વેરાની ચુકવણીમાં સક્રિય રહ્યા છે.
હવે નાગરિકોને સુવિધા આપવાની જવાબદારી
વેરાની આવકમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે હવે શહેરમાં પાયાની સુવિધાઓ વધુ સારી બનાવવાની જવાબદારી પણ છે. નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને સારા રસ્તાઓ મળે તે માટે મ્યુનિ.ના પદાધિકારીઓ અને અધિકારીઓએ ધ્યાન આપવું પડશે. વેરા તરીકે ચૂકવવામાં આવતી રકમનો ઉપયોગ શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાઓ સુધારવામાં થાય તેવી અપેક્ષા હવે વધુ મજબૂત બની છે.
આ પણ વાંચો : શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર ધડાકો, બે સિમેન્ટ બ્લોક તૂટ્યા, ATS તપાસમાં લાગી












