ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘મારો દીકરો મને પાછો લાવી આપો…’ વડોદરામાં મોંઘેરો પોપટ ખોવાયો, શોધી આપનારા 1 લાખ રુપિયા મળશે

વડોદરા: શહેરના સેવાસી રોડ પર રહેતા પારેખ પરિવારનો લાડકવાયો આફ્રિકન ગ્રે પોપટ ‘લડ્ડુ’ ગુમ થતાં પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. છેલ્લા ચાર મહિનાથી પરિવારના સભ્યની જેમ ઉછેરવામાં આવતા લડ્ડુને શોધવા માટે પરિવારે દિવસ-રાત એક કરી દીધાં છે. પરિવારની જેસિકા પારેખ માટે લડ્ડુ માત્ર એક પોપટ નહીં, પરંતુ પોતાના દીકરા સમાન હતો. તેને શોધી આપનાર વ્યક્તિને પરિવારે રૂ.1 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, લડ્ડુ વિના ઘરમાં છેલ્લા ચાર દિવસથી સન્નાટો છવાયેલો છે. પરિવારના સભ્યો તેના વીડિયો અને ખાલી પાંજરાને જોઈને ભાવુક થઈ રહ્યા છે.

‘મારો દીકરો મને પાછો લાવી આપો’, જેસિકા પારેખની કરુણ અપીલ

વડોદરાના શાલીન પારેખ અને જેસિકા પારેખ પ્રાણીઓને પરિવારના સભ્યોની જેમ રાખે છે. ખાસ કરીને જેસિકા પારેખ માટે લડ્ડુ સાથેનો સંબંધ અત્યંત આત્મીય હતો. લડ્ડુની સારસંભાળ, ખોરાક અને તેની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરવા માટે જેસિકાબેને પોતાની ખાનગી શાળાની નોકરી પણ છોડી દીધી હતી.

તેઓ આખો દિવસ લડ્ડુની દેખભાળ કરતાં અને તેને પોતાના દીકરાની જેમ પ્રેમ આપતાં હતાં. આજે લડ્ડુ ગુમ થતાં જેસિકાબેનની આંખોમાંથી આંસુ રોકાતાં નથી. પરિવારના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર દિવસથી તેમણે અન્નનો એક દાણો પણ લીધો નથી. તેઓ સતત એક જ વાત કહી રહ્યાં છે કે, “મારો દીકરો મને પાછો લાવી આપો, મારો લડ્ડુ મને પાછો લાવી આપો.”

ઘરના દરેક ખૂણામાં લડ્ડુની યાદો, ખાલી પાંજરું જોઈ પરિવાર ભાવુક

જેસિકા પારેખે ભાવુક થઈને જણાવ્યું હતું કે, લડ્ડુ આખો દિવસ ઘરમાં આમતેમ ઉડતો રહેતો હતો. સવારે નાસ્તો કરવાનો, બપોરે જમવાનો અને રાત્રે ભોજન કરવાનો તેનો સમય પણ નક્કી હતો.

જમવાનો સમય થાય ત્યારે તે ક્યારેક તેમની છાતી પર તો ક્યારેક ખોળામાં આવીને બેસી જતો હતો. તેના મીઠા અવાજથી આખું ઘર ગુંજતું રહેતું હતું. હવે તેની ગેરહાજરીમાં ઘરમાં જાણે બધું જ શાંત થઈ ગયું છે.

જેસિકાબેને વધુમાં જણાવ્યું કે, તેમણે અને તેમના પતિએ આસપાસના તમામ વિસ્તારોમાં લડ્ડુની શોધખોળ કરી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી. લડ્ડુને શાંતિ પસંદ છે. તે ઊંચાઈ પર રહેવાનું પસંદ કરે છે અને વધુ ઘોંઘાટથી દૂર રહે છે. આથી તેમણે લોકોને અપીલ કરી છે કે જો ક્યાંય લડ્ડુ જોવા મળે તો પરિવારનો સંપર્ક કરે.

લડ્ડુને શોધી આપનારને રૂ.1 લાખનું ઈનામ

પારેખ પરિવારે પોતાના વ્હાલસોયા પોપટને શોધવા માટે રૂ.1 લાખનું ઈનામ જાહેર કર્યું છે. આ જાહેરાત બાદ અનેક લોકોએ પરિવારનો સંપર્ક કર્યો છે. જોકે, લડ્ડુને ઓળખવા માટે પરિવારે તેની કેટલીક ખાસ નિશાનીઓ પણ જણાવી છે.

લડ્ડુની ઓળખ માટેની મુખ્ય નિશાનીઓ:

  • તેની ઉંમર અંદાજે છ મહિના છે.
  • આંખની આસપાસ ઈજાનું નિશાન છે.
  • ચાંચની ઉપરના ભાગે ખરબચડું નિશાન છે.
  • પગમાં ઓળખ માટે રિંગ પહેરાવવામાં આવી છે.

આ ખાસ નિશાનીઓના આધારે પરિવાર લડ્ડુને સરળતાથી ઓળખી શકે છે. પરિવારની અપીલ છે કે કોઈને પણ આ નિશાનીઓ ધરાવતો આફ્રિકન ગ્રે પોપટ જોવા મળે તો તરત જાણ કરવામાં આવે.

મુંબઈથી રૂ.1.10 લાખમાં ખરીદ્યો હતો લડ્ડુ

પારેખ પરિવારે આ આફ્રિકન ગ્રે પોપટ ખાસ મુંબઈથી મંગાવ્યો હતો, જેના માટે અંદાજે રૂ.1.10 લાખનો ખર્ચ કર્યો હતો. લડ્ડુની ઉંમર હાલમાં લગભગ છ મહિના હોવાનું જણાવવામાં આવ્યું છે.

પરિવાર માત્ર લડ્ડુ જ નહીં, પરંતુ પોતાના ડોગીની પણ પરિવારના સભ્યની જેમ સંભાળ રાખે છે. તેમના માટે પાલતુ પ્રાણીઓ માત્ર શોખનો વિષય નથી, પરંતુ પરિવારનો અભિન્ન હિસ્સો છે. આ જ કારણ છે કે લડ્ડુ ગુમ થયા બાદ દંપતી ભારે આઘાતમાં છે અને તેને પાછો મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યું છે.

‘આ મજાક ઉડાવવાનો સમય નથી’, જેસિકા પારેખની લોકોને અપીલ

જેસિકા પારેખે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો પેટ પેરેન્ટ્સની લાગણીઓની મજાક ઉડાવે છે, પરંતુ આ મજાક કરવાનો સમય નથી. મારો દીકરો ખોવાયો છે અને તેની પીડા હું જ સમજી શકું છું. મને કોઈપણ ભોગે મારો લડ્ડુ પાછો જોઈએ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, લડ્ડુ સાથે તેમણે અનેક તહેવારોની ઉજવણી કરી છે. તે હંમેશાં તેમની આસપાસ જ રહેતો હતો અને પ્રેમથી તેમના હોઠ પર ચાંચ મૂકીને સ્નેહ વ્યક્ત કરતો હતો. આજે પણ તેમને લડ્ડુનો એ સ્પર્શ યાદ આવે છે.

જેસિકાબેને સરકારને પણ ખાસ અપીલ કરી છે કે એવી કોઈ એપ્લિકેશન બનાવવામાં આવે, જેમાં ગુમ થયેલાં પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓના ફોટા અપલોડ કરી શકાય. જેથી કોઈને આવું પ્રાણી કે પક્ષી મળી આવે તો તેના માલિક સુધી સરળતાથી પહોંચી શકાય.

આફ્રિકન ગ્રે પોપટની શું છે ખાસિયતો?

આફ્રિકન ગ્રે પેરોટ દુનિયાનાં સૌથી બુદ્ધિશાળી અને લોકપ્રિય પક્ષીઓમાંનું એક છે. તેની કેટલીક ખાસિયતો તેને અન્ય પક્ષીઓથી અલગ બનાવે છે.

  • અસાધારણ બુદ્ધિ: આ પક્ષીની સમજવાની ક્ષમતા નાનાં બાળકોની બુદ્ધિ સાથે સરખાવવામાં આવે છે.
  • શબ્દોની નકલ: તે માત્ર માણસોના શબ્દો જ નહીં, પરંતુ ઘરમાં વાગતી ઘંટડી અને ફોનની રિંગટોનની પણ આબેહૂબ નકલ કરી શકે છે.
  • શબ્દોનો અર્થ સમજવાની ક્ષમતા: યોગ્ય તાલીમથી તે કેટલાક શબ્દો અને પરિસ્થિતિઓ વચ્ચેનો સંબંધ સમજી શકે છે.
  • લાંબું આયુષ્ય: યોગ્ય સંભાળ અને વાતાવરણ મળે તો તે દાયકાઓ સુધી જીવી શકે છે.
  • ભાવનાત્મક જોડાણ: આ પક્ષી ખૂબ જ સામાજિક અને સંવેદનશીલ હોય છે. તે પોતાના સંભાળ રાખનાર વ્યક્તિ સાથે ઊંડું આત્મીય જોડાણ બનાવે છે.

આ જ ખાસિયતોને કારણે આફ્રિકન ગ્રે પોપટ પાલતુ પક્ષીઓમાં ખૂબ લોકપ્રિય છે.

એક જ આશા… લડ્ડુ ફરી ઘરે પાછો આવે!

હાલમાં પારેખ પરિવારની એક જ ઇચ્છા છે કે તેમનો લાડકવાયો લડ્ડુ હેમખેમ ઘરે પાછો આવી જાય. પરિવારની રૂ.1 લાખના ઈનામની જાહેરાત પણ આ જ આશા સાથે કરવામાં આવી છે. જે કોઈને લડ્ડુ વિશે માહિતી મળે તે પરિવારમાં સંપર્ક કરીને તેમની મદદ કરી શકે છે.

એક તરફ પરિવારની આંખોમાં આંસુ છે તો બીજી તરફ ઘરમાં લડ્ડુના પાછા ફરવાની આશા જીવંત છે. હવે જોવાનું એ રહેશે કે કોઈ સંવેદનશીલ વ્યક્તિની મદદથી પારેખ પરિવારનો લાડકો ‘લડ્ડુ’ ફરી પોતાના માળામાં પાછો ફરે છે કે નહીં.

આ પણ વાંચો: અમેરિકાના મિડટર્મ ઇલેક્શનમાં ભારતીય મૂળના ઉમેદવારોનો દમ! પિયા ડંડિયાની જીત, અન્ય ઉમેદવારોનાં પરિણામો પર નજર

Back to top button