ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

સોનાના ભાવમાં મોટો કડાકો! 10 ગ્રામ સોનું રૂ.15,000થી વધુ સસ્તું થઈ શકે, નોમુરાની આગાહી

Gold Rate Today: સોનું ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે બજારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026ની શરૂઆતમાં રેકોર્ડ તેજી સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 5,500 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. જોકે, હવે સોનાના બજારમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઔંસ 4,000 ડોલરથી નીચે આવી ગયું છે.

આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 8 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હવે જાણીતી બ્રોકરેજ ફર્મ નોમુરાએ સોનાના ભાવ અંગે વધુ એક મોટી આગાહી કરી છે. નોમુરાના અંદાજ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઘટીને 3,500 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. જો આવું થાય તો ભારતીય બજારમાં 10 ગ્રામ સોનું અંદાજે રૂ.15,000થી વધુ સસ્તું થઈ શકે છે.

10 ગ્રામ સોનું રૂ.1.23 લાખ સુધી આવી શકે!

નોમુરાના તાજેતરના રિસર્ચ નોટ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં હજુ લગભગ 11 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. હાલમાં સોનું પ્રતિ ઔંસ આશરે 3,947 ડોલરના સ્તરે હોવાનું જણાવાયું છે.

ભારતીય બજારના અંદાજ પ્રમાણે હાલમાં 10 ગ્રામ સોનાનો ભાવ આશરે રૂ.1.39 લાખ માનવામાં આવે તો તેમાં 11 ટકાનો ઘટાડો થતાં ભાવમાં લગભગ રૂ.15,290નો ઘટાડો થઈ શકે છે.

આ ગણતરી પ્રમાણે 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને આશરે રૂ.1.23 લાખની આસપાસ પહોંચી શકે છે. જો કે, આ માત્ર અંદાજ છે. આંતરરાષ્ટ્રીય બજારના ભાવ ઉપરાંત ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત ડ્યૂટી અને અન્ય સ્થાનિક ખર્ચને કારણે ભારતમાં સોનાના ભાવમાં ફેરફાર થઈ શકે છે.

સતત પ્રોફિટ બુકિંગથી સોનાના ભાવ પર દબાણ

સોનાના ભાવમાં ઘટાડા પાછળનું એક મુખ્ય કારણ રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી સતત નફાવસૂલી (Profit Booking) છે.

એલકેએફ સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીના જણાવ્યા મુજબ, બજારમાં રોકાણકારો સતત નફો બુક કરી રહ્યા છે. તેના કારણે સોનાના ભાવ પર દબાણ વધી રહ્યું છે.

ભારે વેચવાલીને કારણે સોનાના ભાવ હવે ઓવરસોલ્ડ ઝોનની નજીક પહોંચી રહ્યા છે. તેમના મતે સોનાના ભાવમાં ટકાઉ રિકવરી માટે બજારમાં નવી ખરીદી આવવી જરૂરી છે. આ ઉપરાંત વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો પણ સોનાના ભાવને ફરી મજબૂતી આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

અમેરિકાના મિડટર્મ ચૂંટણીનાં પરિણામો પર રહેશે બજારની નજર

આગામી દિવસોમાં સોનાના ભાવની દિશા નક્કી કરવામાં અમેરિકાના આર્થિક અને રાજકીય ઘટનાક્રમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

બજારના નિષ્ણાતો અમેરિકાના મિડટર્મ ચૂંટણીનાં પરિણામો, બેરોજગારીના આંકડા અને નોન-ફાર્મ પેરોલ ડેટા પર ખાસ નજર રાખી રહ્યા છે. આ આંકડાઓ પરથી અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક ભવિષ્યમાં વ્યાજદર અંગે કેવો નિર્ણય લઈ શકે છે તેના સંકેતો મળી શકે છે.

કોટક નિયો (Kotak Neo)નાં એવીએપી કાયનાત ચેનવાલાના જણાવ્યા મુજબ અમેરિકાના મિડટર્મ ચૂંટણીનાં પરિણામો પણ સોનાના ભાવને સીધી અસર કરી શકે છે. ચૂંટણીનાં પરિણામો બાદ અમેરિકાની આગામી એનર્જી પોલિસી અને ઈરાન અંગે વોશિંગ્ટનનું વલણ કેવું રહેશે તેના સંકેતો મળી શકે છે.

આ તમામ વૈશ્વિક પરિબળોની અસર આગામી દિવસોમાં સોનાના ભાવ પર જોવા મળી શકે છે.

રૂ.1.42 લાખનું સ્તર સોના માટે મહત્ત્વપૂર્ણ

ટેક્નિકલ વિશ્લેષણ પ્રમાણે ભારતીય બજારમાં 10 ગ્રામ સોના માટે રૂ.1,42,000નું સ્તર મહત્ત્વપૂર્ણ રેઝિસ્ટન્સ માનવામાં આવી રહ્યું છે.

જ્યાં સુધી સોનું આ સ્તરની ઉપર ટકી શકશે નહીં ત્યાં સુધી નજીકના ગાળામાં મોટી તેજીની શક્યતા ઓછી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

સોનાના ભાવમાં આગળ પણ ઘટાડો ચાલુ રહે છે કે પછી નવી ખરીદીના કારણે ફરી તેજી આવે છે તે હવે વૈશ્વિક બજારના સંકેતો પર નિર્ભર રહેશે.

સોનું ખરીદવું કે રાહ જોવી?

સોનાના ભાવમાં તાજેતરમાં આવેલા ઘટાડા અને નોમુરાની આગાહી બાદ ખરીદદારોમાં સસ્તા સોનાની આશા વધી છે. ખાસ કરીને લગ્નસરા અને તહેવારો માટે સોનાની ખરીદી કરવાનું આયોજન કરતા લોકો બજારની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

જોકે, નિષ્ણાતોની આગાહી અંતિમ નથી અને સોનાના ભાવમાં ઘટાડો નિશ્ચિત છે એવું કહી શકાય નહીં. તેથી ખરીદી કરતાં પહેલાં સ્થાનિક બજારના ભાવ, શુદ્ધતા, મેકિંગ ચાર્જ અને જીએસટીની વિગતો તપાસવી જરૂરી છે.

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે ખુશખબર! 15 ડિસેમ્બર સુધીમાં નળસરોવરમાં ફરી શરૂ થશે બોટિંગ

Back to top button