AMCની દિવાળી ભેટ: 16,800 વર્ગ-4 કર્મચારીઓને મળશે 7 હજાર રૂપિયાનું બોનસ

Employee Bonus : દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ગ-4ના કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. મ્યુનિ. દ્વારા અંદાજે 16,800 કર્મચારીઓને રૂ.7,000નું બોનસ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે AMC અંદાજે રૂ.12 કરોડનો ખર્ચ કરશે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-4ના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરાયા બાદ અમદાવાદ મ્યુનિસિપાલિટીએ પણ આ નિર્ણય લીધો છે.
16,800 કર્મચારીઓની દિવાળી સુધરશે
રાજ્ય સરકારે 2 નવેમ્બરના રોજ વર્ગ-4ના કર્મચારીઓ માટે રૂ.7,000 સુધીના એડહોક બોનસની જાહેરાત કરી હતી. ત્યારબાદ 3 નવેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પોતાના વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી મ્યુનિ.ના આશરે 16,800 કર્મચારીઓને સીધો લાભ મળશે. દિવાળીના તહેવાર પહેલાં બોનસની જાહેરાત થતાં કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બોનસ મેળવવા માટે 6 મહિનાની નોકરી જરૂરી
AMC દ્વારા બોનસ મેળવવા માટે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન કર્મચારીએ ઓછામાં ઓછા સતત છ મહિના સુધી ફરજ બજાવી હોવી જરૂરી છે. આ શરત પૂર્ણ કરનારા કર્મચારીઓને બોનસનો લાભ મળશે. જોકે, રોજિંદા વેતનના આધારે કામ કરતા કર્મચારીઓ માટે અલગ માપદંડ રાખવામાં આવ્યો છે. આવા કર્મચારીઓએ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 240 દિવસ એટલે કે આશરે આઠ મહિના કામ કર્યું હોવું જરૂરી છે.
કામના દિવસો પ્રમાણે બોનસની ગણતરી થશે
કર્મચારીઓને ચૂકવવામાં આવનારા બોનસની ગણતરી તેમણે વર્ષ દરમિયાન કરેલી કામગીરીના દિવસોના આધારે કરવામાં આવશે. જે કર્મચારીઓ વર્ષ દરમિયાન અમુક સમય માટે સસ્પેન્ડ થયા હશે, તેમના સસ્પેન્શનના દિવસો બાદ કરીને બાકીના કામના દિવસો મુજબ બોનસ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત પાર્ટટાઈમ કર્મચારીઓમાં જેમને દર વર્ષે ઇન્ક્રીમેન્ટ (Increment) મળતું હોય તેમને પણ બોનસનો લાભ આપવામાં આવશે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી હજારો વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી વધુ ખુશહાલ બનશે.
આ પણ વાંચો : ‘મારો દીકરો મને પાછો લાવી આપો…’ વડોદરામાં મોંઘેરો પોપટ ખોવાયો, શોધી આપનારા 1 લાખ રુપિયા મળશે












