મધ્યપ્રદેશમાં પોલીસ અધિકારીની હત્યાથી હોબાળો! 48 કલાકમાં બે આરોપીઓનું શોર્ટ એન્કાઉન્ટર

Murderer Encounter : મધ્યપ્રદેશના દેવાસ (Dewas) જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી રોકવા ગયેલા પોલીસ અધિકારીની હત્યાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઘટનાના મુખ્ય આરોપી ટ્રક ડ્રાઇવર અને તેના સાથીનું પોલીસે શોર્ટ એન્કાઉન્ટર કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલી અથડામણમાં બંનેના પગમાં ગોળી વાગતાં તેઓ ઘાયલ થયા હતા.
હત્યાના 48 કલાકમાં પોલીસની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, સોમવારે મોડી રાત્રે ખાતેગાંવના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દિલીપ પુરીની ટ્રકથી કચડીને હત્યા કરવામાં આવી હતી. તેઓ ગેરકાયદે દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ ટીમ સાથે પહોંચ્યા હતા. આ ઘટનાના મુખ્ય આરોપી ટ્રક ડ્રાઇવર અને તેના સાથી ધીરજને પોલીસે અલીરાજપુરથી પકડી પાડ્યા હતા. મંગળવારે રાત્રે બંને આરોપીઓને અલગ-અલગ માર્ગે ખાતેગાંવ લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન રાજોદા અને બરોઠા વચ્ચે પોલીસના વાહનનું ટાયર પંક્ચર થયું હતું. પોલીસકર્મીઓ ટાયર બદલી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ASIની સર્વિસ રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ
પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપીએ લઘુશંકા જવાનું બહાનું બનાવ્યું હતું. ત્યારબાદ તેણે તકનો લાભ લઈને એક ASIની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે પોલીસ ટીમ પર ફાયરિંગ પણ કર્યું હતું. જવાબમાં પોલીસે ગોળીબાર કરતાં મુખ્ય આરોપીના જમણા પગના નીચેના ભાગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક દેવાસ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
બીજા આરોપીને પણ પગમાં ગોળી વાગી
મુખ્ય આરોપી બાદ તેનો સાથી ધીરજ પણ પોલીસ કાર્યવાહી દરમિયાન ઘાયલ થયો હતો. ભોપાલ બાયપાસ પર બેંક નોટ પ્રેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગવાનો પ્રયાસ કરતી વખતે તેના જમણા પગમાં ગોળી વાગી હતી.બંને આરોપીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ઇન્દોર રિફર કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં દારૂ મોકલવાની હતી માહિતી
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેરકાયદે દારૂનો જથ્થો ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે ખાતેગાંવના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દિલીપ પુરી પોલીસ ટીમ સાથે સોમવારે વહેલી સવારે ઇન્દોર-બૈતુલ હાઇવે પર પહોંચ્યા હતા.ત્યાં તેમણે 1,800 લિટરથી વધુ દારૂ ભરેલી ટ્રક રોકીને ડ્રાઇવરની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસથી બચવા માટે ડ્રાઇવરે ટ્રક ડિવાઇડર પર ચઢાવી દીધી હતી. આ દરમિયાન ટ્રકનું પાછળનું વ્હીલ દિલીપ પુરી ઉપરથી ફરી વળતાં તેમનું મોત થયું હતું.હવે આ હત્યા કેસમાં બંને આરોપીઓ ઘાયલ થયા બાદ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : US Midterm Elections result: સેનેટની ચૂંટણીમાં ટ્રમ્પની હાર, વિપક્ષી ડેમોક્રેટ્સને મળ્યો બહુમત












