ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જો બેલેટ પેપર મારું નામ હોત તો અમે ભારે બહુમતથી ચૂંટણી જીત્યા હોત, ડોનાલ્ડ ટ્રમ્પે આખરે હાર સ્વીકારી

વોશિંગ્ટન: અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી પાછળ પડતી દેખાયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે એક તરફ દાવો કર્યો છે કે જો તેમનું નામ પણ ચૂંટણીના બેલેટ પર હોત તો રિપબ્લિકન પાર્ટી ભારે બહુમતીથી જીત મેળવી હોત. બીજી તરફ તેમણે ચૂંટણીનાં પરિણામો સ્વીકારવાની અને ડેમોક્રેટિક પાર્ટી સાથે મળીને કામ કરવાની તૈયારી પણ દર્શાવી છે. ટ્રમ્પનાં આ બંને નિવેદનો હાલ અમેરિકાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યાં છે.

ટ્રમ્પે કહ્યું- ‘હું બેલેટ પર હોત તો મોટી જીત મળી હોત’

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને મિડટર્મ ચૂંટણીનાં પરિણામો અંગે પ્રતિક્રિયા આપી હતી.

તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, “હું બેલેટ પર નહોતો. જો હું હોત તો અમે ભારે બહુમતીથી જીત્યા હોત.”

ટ્રમ્પે પોતાના નિવેદનમાં ‘ઇન અ લેન્ડસ્લાઇડ’ શબ્દનો ઉપયોગ કરીને મોટા અંતરથી જીતવાનો દાવો કર્યો હતો. પોસ્ટના અંતમાં તેમણે આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

જોકે, ટ્રમ્પે પોતાના નિવેદનમાં રિપબ્લિકન પાર્ટી પાછળ રહેવાનાં ચોક્કસ કારણો અંગે કોઈ સ્પષ્ટ વાત કરી નહોતી. તેના બદલે તેમણે દાવો કર્યો હતો કે જો તેમનું નામ પણ મતપત્રક પર હોત તો પાર્ટીનું પરિણામ અલગ અને વધુ સારું આવ્યું હોત.

મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું- પરિણામો સ્વીકારવા તૈયાર

સોશિયલ મીડિયા પર મોટી જીતનો દાવો કર્યા બાદ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં પણ ચૂંટણી અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

તેમને પૂછવામાં આવ્યું હતું કે જો રિપબ્લિકન પાર્ટી ચૂંટણીમાં હારશે તો શું તેઓ પરિણામો સ્વીકારશે? તેના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ચૂંટણીનાં પરિણામો સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ ઉપરાંત તેમણે ડેમોક્રેટિક પાર્ટી સાથે મળીને કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે જો વિપક્ષ જીતશે તો પણ અમે તેમની સાથે કામ કરવાની આશા રાખીએ છીએ. કદાચ અમે સાથે મળીને કોઈ રસ્તો કાઢી શકીશું.

આમ, એક તરફ ટ્રમ્પે દાવો કર્યો કે તેઓ ચૂંટણીના બેલેટ પર હોત તો રિપબ્લિકન પાર્ટી મોટી જીત મેળવત, તો બીજી તરફ તેમણે વિપક્ષ સાથે કામ કરવાની તૈયારી દર્શાવી છે.

કોંગ્રેસમાં ટ્રમ્પની મુશ્કેલીઓ વધી શકે છે

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના બે વર્ષ બાદ મિડટર્મ ઇલેક્શન યોજાય છે. આ ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને સેનેટની લગભગ એક તૃતીયાંશ બેઠકો માટે મતદાન થાય છે.

આ ચૂંટણીનાં પરિણામો નક્કી કરે છે કે અમેરિકન કોંગ્રેસનાં બંને ગૃહોમાં કયા પક્ષનું વર્ચસ્વ રહેશે. જો ડેમોક્રેટિક પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવશે તો ટ્રમ્પ સરકાર માટે રાજકીય અને કાયદાકીય પડકારો વધી શકે છે.

ડેમોક્રેટ્સના હાથમાં આવશે સંસદીય સમિતિઓનું નિયંત્રણ?

જો ડેમોક્રેટ્સ પ્રતિનિધિ સભામાં બહુમતી મેળવવામાં સફળ થશે તો તેમને વિવિધ સંસદીય સમિતિઓનું નિયંત્રણ મળી શકે છે. આ સમિતિઓ દ્વારા ટ્રમ્પ સરકારના નિર્ણયો અને નીતિઓની તપાસ કરવામાં આવી શકે છે.

આ ઉપરાંત સમિતિઓ પાસે કેટલીક મહત્ત્વપૂર્ણ સત્તાઓ પણ હોય છે:

  • સરકારના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવી શકે છે.
  • સરકારી નિર્ણયો અને કામગીરી અંગે જવાબ માગી શકે છે.
  • સરકાર પાસેથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને રેકોર્ડ્સ માગી શકે છે.
  • તપાસના ભાગરૂપે સમન્સ જાહેર કરી શકે છે.
  • ટ્રમ્પ સરકારના વિવિધ નિર્ણયો અને નીતિઓની સંસદીય તપાસ કરી શકે છે.

આવી સ્થિતિમાં ટ્રમ્પ સરકાર માટે પોતાની નીતિઓનો અમલ કરાવવો અને કાયદાકીય એજન્ડાને આગળ વધારવો વધુ મુશ્કેલ બની શકે છે.

ટ્રમ્પ માટે આગામી રાજકીય સમયગાળો પડકારજનક બની શકે

મિડટર્મ ચૂંટણીનાં પરિણામો ટ્રમ્પના શાસન માટે મહત્ત્વપૂર્ણ સંકેત બની શકે છે. રિપબ્લિકન પાર્ટીનું સંસદમાં વર્ચસ્વ ઘટે તો ડેમોક્રેટ્સને સરકારના નિર્ણયો પર વધુ દેખરેખ રાખવાની તક મળશે.

હાલ ટ્રમ્પે ચૂંટણીનાં પરિણામો સ્વીકારવાની અને વિપક્ષ સાથે કામ કરવાની તૈયારી દર્શાવી છે. જોકે, તેમણે પોતાની પાર્ટીની સંભવિત હાર અંગે પોતાનો બચાવ કરતાં એવો દાવો પણ કર્યો છે કે જો તેઓ પોતે બેલેટ પર હોત તો પરિણામો અલગ હોત.

હવે જોવાનું એ રહેશે કે અંતિમ ચૂંટણી પરિણામો બાદ અમેરિકાની સંસદમાં સત્તાનું સમીકરણ કેવું બને છે અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે આગામી રાજકીય સફર કેટલી પડકારજનક સાબિત થાય છે.

આ પણ વાંચો: ‘મારો દીકરો મને પાછો લાવી આપો…’ વડોદરામાં મોંઘેરો પોપટ ખોવાયો, શોધી આપનારા 1 લાખ રુપિયા મળશે

Back to top button