ટ્રેન્ડિંગનેશનલમીડિયા

શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર ધડાકો, બે સિમેન્ટ બ્લોક તૂટ્યા, ATS તપાસમાં લાગી

Track Blast : રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક રેલવે ટ્રેક પર જોરદાર ધડાકો થતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. અનૂપગઢ-સુરતગઢ રેલવે લાઇન પર થયેલા આ ધડાકામાં પાટા નીચે આવેલા સિમેન્ટના બે બ્લોક સંપૂર્ણપણે તૂટી ગયા હતા. ઘટનાને પગલે રેલવે વ્યવહાર અટકાવી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

ટ્રેન પસાર થયાના 45 મિનિટ બાદ થયો ધડાકો

મળતી માહિતી અનુસાર, મંગળવારે રાત્રે લગભગ 9:45 વાગ્યે અનૂપગઢ નજીકના 50 જીબી ગામ પાસે આ ઘટના બની હતી. અનૂપગઢ-સુરતગઢ પેસેન્જર ટ્રેન પસાર થયાના આશરે 45 મિનિટ બાદ રેલવે ટ્રેક પર જોરદાર વિસ્ફોટ થયો હતો. ધડાકાના કારણે પાટા નીચેના બે સિમેન્ટ બ્લોક તૂટી ગયા હતા અને ટ્રેકની વચ્ચે લગભગ બે ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ATS, CID અને FSLની ટીમો તપાસમાં જોડાઈ

ઘટનાની જાણ થતાં જ પોલીસ, ATS, CID, ડોગ સ્ક્વોડ અને રેલવેની ટીમો સ્થળ પર પહોંચી હતી. FSL અને ATSના અધિકારીઓએ પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સાવચેતીના ભાગરૂપે આ રેલવે માર્ગ પરની ટ્રેનો રદ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે 6 વાગ્યા સુધી આ લાઇન પર ટ્રેન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો.

ધડાકાનું કારણ હજુ સ્પષ્ટ નથી

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી છે, પરંતુ ધડાકાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. હાલ તેને બોમ્બ વિસ્ફોટ ગણાવવો યોગ્ય નથી અને તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. સરહદી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં કોઈ અસામાજિક તત્વો અથવા દેશવિરોધી શક્તિઓની સંડોવણી છે કે નહીં, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ તાજેતરમાં ઝડપાયેલા 7.5 કિલોગ્રામ RDX સાથે આ ઘટનાનો સંબંધ હોવાની શક્યતા નકારી છે. હાલ સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : ઇંડાની આડમાં ચાલતું વિદેશી દારૂનું કૌભાંડ ઝડપાયું: 28.18 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

Back to top button