નાના ચિલોડા/ જૂની અદાવતમાં યુવક પર ચાર શખ્સોનો હુમલો

Youth Attack : અમદાવાદના નાના ચિલોડા (Nana Chiloda) વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવક પર ચાર શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મારામારીના CCTV ફૂટેજ (CCTV Footage) પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે નરોડા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અગાઉના ઝઘડાની અદાવતમાં યુવકને નિશાન બનાવ્યો
મળતી માહિતી મુજબ, નાના ચિલોડામાં રહેતો હિતેશ ડ્રાઇવિંગનું કામ કરે છે. ગત 27 ઓક્ટોબરના રોજ તેના મિત્ર સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જોકે, બાદમાં બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. આ ઘટનાના બીજા દિવસે રાત્રે હિતેશ નાના ચિલોડા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે અગાઉના ઝઘડાનું સમાધાન કેમ કરાવ્યું તે મુદ્દે હિતેશ સાથે બોલાચાલી શરૂ કરી હતી.
ચાર શખ્સોએ લાકડીઓ વડે કર્યો હુમલો
શરૂઆતમાં થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ એક શખ્સે હિતેશને મારવાનું શરૂ કર્યું હતું, જ્યારે અન્ય શખ્સોએ લાકડીઓ વડે તેના પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકો એકઠા થતાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. હુમલામાં હિતેશને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હુમલાખોરોમાં પોલીસકર્મીનો પુત્ર હોવાનો આક્ષેપ
સમગ્ર મામલે હિતેશે નરોડા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે હુમલામાં સામેલ એક શખ્સના પિતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલ નરોડા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, હુમલાના CCTV ફૂટેજ વાયરલ થતાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો : AMCની દિવાળી ભેટ: 16,800 વર્ગ-4 કર્મચારીઓને મળશે 7 હજાર રૂપિયાનું બોનસ












