ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ચોટીલા હાઈવે પર અગ્નિકાંડ: ટેન્કર સાથે અથડાતાં બસ ભભૂકી, 4નાં કરુણ મોત

Fire incident on Chotila Highway:    રાજકોટ-ચોટીલા નેશનલ હાઈવે પર મોડી રાત્રે સર્જાયેલા ભયાનક અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. સાંગાણી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી જોરદાર અથડામણ બાદ બસમાં આગ લાગી જતા ચાર મુસાફરો જીવતા સળગી ગયા હતા, જ્યારે અન્ય દસ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

માહિતી મુજબ, અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ મોડી રાત્રે આશરે અઢી વાગ્યે ચોટીલા નજીક પહોંચી હતી. એ દરમિયાન આગળ જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટતા ટેન્કરનો સંતુલન બગડ્યો અને પાછળથી આવી રહેલી બસ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણ બાદ બસમાં શોર્ટ સર્કિટ સર્જાયું અને પળવારમાં આગ ફાટી નીકળી હતી. બસમાં સૂઈ રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાસ્થળે ચીસાચીસ અને ભાગદોડનો માહોલ સર્જાયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે અકસ્માતમાં એક ડ્રાઈવર અને ત્રણ મુસાફરો સહિત કુલ ચાર લોકોનાં મોત થયા છે. મૃતદેહો એટલા બળી ગયા છે કે તેમની ઓળખ માટે હવે ડીએનએ તપાસનો સહારો લેવો પડશે.

સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. બસના પાછળના ભાગ સુધી આગ પહોંચે તે પહેલાં અનેક મુસાફરોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ટેન્કરનું ટાયર ફાટવું અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : ભાલકા તીર્થ: ભગવાન કૃષ્ણએ પૃથ્વી છોડી દેતાની સાથે જ યુગ બદલાઈ ગયો, જાણો તે પવિત્ર સ્થળનું રહસ્ય

Back to top button