નેહા બોરાએ CJPના વિરોધ પ્રદર્શનથી સાધ્યું અંતર, દિલ્હી હાઈકોર્ટમાં વકીલે કરી સ્પષ્ટતા

Neha Bora CJP Protest : દિલ્હી હાઈકોર્ટમાં વિદ્યાર્થી નેતા નેહા બોરાની અરજી પર સુનાવણી દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં આયોજિત વિરોધ પ્રદર્શન સાથે કોઈ સંબંધ ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. ડાબેરી વિદ્યાર્થી સંગઠન AISA સાથે સંકળાયેલાં નેહા બોરાએ દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલી નોટિસને પડકારી છે.
કોર્ટમાં નેહા બોરા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શંકરનારાયણે જણાવ્યું હતું કે તેમની અસીલ સેન્ટ્રલ પાર્કમાં યોજાયેલા પ્રદર્શનનો ભાગ નહોતાં. તેમણે કહ્યું કે નેહા બોરા મંડી હાઉસ ખાતે પોતાના સંગઠન દ્વારા આપવામાં આવેલા આહ્વાન અને ત્યાં યોજાનારી બેઠકના આયોજનમાં વ્યસ્ત હતાં.
CJPના કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નહીં હોવાનો દાવો
સુનાવણી દરમિયાન વકીલે સ્પષ્ટ કર્યું હતું કે સેન્ટ્રલ પાર્કમાં યોજાયેલા કાર્યક્રમ માટે અન્ય સંગઠને આહ્વાન કર્યું હતું. નેહા બોરા તે કાર્યક્રમ સાથે જોડાયેલાં નહોતાં કે તેમાં સામેલ પણ થયાં નહોતાં. તેઓ મંડી હાઉસ ખાતે પોતાના સંગઠનના કાર્યક્રમને લઈને કામ કરી રહ્યાં હતાં.
તિરંગો ફરકાવવા માટે મંજૂરી લેવાની જરૂર નથી: બોરા
નેહા બોરાએ દિલ્હી હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તિરંગો ફરકાવવા માટે તેમને કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. તેમણે દિલ્હી પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે બોન્ડ ભરવા અંગે આપવામાં આવેલી નોટિસને પડકારી છે. તેમના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આ મામલો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 126 અને 130 હેઠળ આપવામાં આવેલી નોટિસને લગતો છે. તેમણે આ કેસને મર્યાદિત મુદ્દા સાથે સંકળાયેલો ગણાવ્યો હતો.
સરકારની ટીકા કરવી લોકશાહીનો અધિકાર
નેહા બોરાના વકીલે દલીલ કરી હતી કે લોકશાહીમાં સરકારની નીતિઓ અને કામગીરી સામે વિરોધ વ્યક્ત કરવો જરૂરી છે. દેશમાં વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શનો થતા રહ્યાં છે અને સરકારની કામગીરી સામે અસહમતિ વ્યક્ત કરવાની સ્વતંત્રતા લોકશાહીને મજબૂત બનાવે છે. વકીલે વધુમાં દાવો કર્યો હતો કે નેહા બોરાએ ક્યારેય કોઈ મંચ પરથી હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો નથી. તેમનાં નિવેદનો શાંતિપૂર્ણ અને સંતુલિત રહ્યાં છે. તેઓ સરકાર અને અન્ય સત્તાધીશોની કામગીરીમાં સુધારા માટે જ પોતાનો અવાજ ઉઠાવતાં રહ્યાં છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દિલ્હી પોલીસને અરજીની સુનાવણી સામે વાંધો
બીજી તરફ, દિલ્હી પોલીસે નેહા બોરાની અરજીની સુનાવણી થઈ શકે કે નહીં તે અંગે હાઈકોર્ટમાં વાંધો ઉઠાવ્યો હતો. પોલીસ દ્વારા તેમને વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ (SEM) સમક્ષ શાંતિ જાળવવા માટે બોન્ડ ભરવાની નોટિસ આપવામાં આવી હતી. નેહા બોરાએ પોતાની અરજીમાં આ નોટિસ રદ કરવાની માગ કરી છે. આ ઉપરાંત, તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે તેવા નિર્દેશ આપવા માટે પણ કોર્ટને વિનંતી કરી છે.
SIR પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ સામે પ્રદર્શનો
નેહા બોરા ચૂંટણી પંચની મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (Special Intensive Revision – SIR)માં કથિત ગેરરીતિઓના મુદ્દે યોજાયેલા વિરોધ પ્રદર્શનોમાં સક્રિય રહ્યાં હતાં. આ જ સંદર્ભમાં દિલ્હી પોલીસની નોટિસને તેમણે હાઈકોર્ટમાં પડકારી છે. હવે આ મામલે દિલ્હી પોલીસના વાંધા અને નેહા બોરા તરફથી રજૂ કરવામાં આવેલી દલીલો પર હાઈકોર્ટની કાર્યવાહી મહત્ત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો : ભારત વિશ્વ માટે બન્યું આશાનું કિરણ, પોલેન્ડના વડાપ્રધાન ટસ્કે મોદીનાં કર્યા ભરપૂર વખાણ












