ટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

ભારત વિશ્વ માટે બન્યું આશાનું કિરણ, પોલેન્ડના વડાપ્રધાન ટસ્કે મોદીનાં કર્યા ભરપૂર વખાણ

India Poland Ties:  વિશ્વભરમાં રાજકીય અસ્થિરતા અને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે ભારતને દુનિયા માટે આશાનું કિરણ ગણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી સાથે સંયુક્ત નિવેદન દરમિયાન ટસ્કે ભારત અને પોલેન્ડ વચ્ચેના પરસ્પર વિશ્વાસ, સહિયારાં મૂલ્યો અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ભારતનું નેતૃત્વ વિશ્વ માટે આશાનું પ્રતીક

પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે જણાવ્યું હતું કે

વૈશ્વિક બાબતોમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. દુનિયા જ્યારે રાજકીય અનિશ્ચિતતા, સંકટ અને અસ્થિરતાનો સામનો કરી રહી છે, ત્યારે ભારત જેવા શક્તિશાળી દેશનું નેતૃત્વ આશાનો સંદેશ આપે છે.

ટસ્કે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે

વૈશ્વિક સ્તરે તેમની ભૂમિકા પ્રશંસનીય છે અને મુશ્કેલ સમયમાં ભારતનું નેતૃત્વ વિશ્વના દેશો માટે આશાનું કિરણ બની રહ્યું છે.

બંને દેશો વચ્ચે કોઈ મોટો મતભેદ નથી

ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો અંગે વાત કરતાં ટસ્કે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે અનેક સમાનતાઓ છે. ભૌગોલિક અંતર સિવાય બંને દેશોને અલગ પાડે તેવા મુદ્દાઓ ઓછા છે. બંનેના હિતો વચ્ચે મોટો ટકરાવ નથી અને ઐતિહાસિક વિવાદો પણ સંબંધોમાં અવરોધરૂપ બનતા નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પરસ્પર વિશ્વાસ, સહિયારાં મૂલ્યો અને અહિંસા જેવા સિદ્ધાંતોના આધારે બંને દેશો પોતાની મિત્રતાને વધુ મજબૂત બનાવી શકશે. ભારત સાથેની મિત્રતા પર તેમણે ગૌરવની લાગણી પણ વ્યક્ત કરી હતી.

સ્ટ્રેટેજીક પાર્ટનરશીપને નવી દિશા આપવાની તૈયારી

ભારત અને પોલેન્ડ વચ્ચેની સ્ટ્રેટેજીક પાર્ટનરશીપને આગળ વધારવા માટે બંને નેતાઓ વચ્ચે મહત્ત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. ઓગસ્ટ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૉર્સો મુલાકાત દરમિયાન બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. ટસ્કે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન અત્યાર સુધી થયેલા સહયોગની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ આગામી વર્ષોમાં બંને દેશો કયા ક્ષેત્રોમાં સહકાર વધારી શકે અને કઈ બાબતોને પ્રાથમિકતા આપવી જોઈએ તે અંગે પણ ચર્ચા થઈ હતી.

વેપાર અને રોકાણ પર રહેશે ખાસ ધ્યાન

ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોમાં આર્થિક સહયોગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટસ્કે કહ્યું હતું કે વેપાર અને આર્થિક સંબંધો બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીનો મજબૂત આધાર છે. તેમની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોની કંપનીઓ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકો યોજાવાની છે. પોલેન્ડના પ્રતિનિધિમંડળમાં વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ પણ સામેલ છે. આ મુલાકાતથી વેપાર, રોકાણ અને નવી વ્યાપારી ભાગીદારી માટે વધુ તકો ઊભી થવાની અપેક્ષા છે.

ખાણકામથી લઈને અંતરિક્ષ સુધી સહયોગ વધશે

ભારત અને પોલેન્ડ અનેક પરંપરાગત તેમજ આધુનિક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ખાણકામ, કોલસામાંથી ગેસ બનાવવાની ટેક્નોલોજી, શિપયાર્ડ અને જહાજ નિર્માણ જેવા ક્ષેત્રો ઉપરાંત અંતરિક્ષ, ડિજિટલ ટેક્નોલોજી, ઉપગ્રહો અને આધુનિક સંરક્ષણ પ્રણાલીઓમાં પણ ભાગીદારીની સંભાવનાઓ છે.

ટસ્કે ડ્રોન અને ઉપગ્રહ ટેક્નોલોજીના મહત્ત્વનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે

તાજેતરના સમયમાં ડ્રોન ઉપયોગી સાબિત થયાં છે. તેમના મતે, આ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનો સહયોગ સંકટ અને રાજકીય તણાવના સમયે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

G20 સહિતના વૈશ્વિક મંચો પર સાથે કામ કરશે

પોલેન્ડના વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે ભારત અને પોલેન્ડ G20 સહિતના મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચો પર એકબીજાને સહયોગ આપશે. બંને દેશો વચ્ચે વધતું જોડાણ માત્ર દ્વિપક્ષીય સંબંધોને જ નહીં, પરંતુ વ્યાપક વૈશ્વિક હિતોને પણ લાભ પહોંચાડી શકે છે.

નોંધનીય છે કે ડોનાલ્ડ ટસ્ક 21થી 23 ઑક્ટોબર દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાતનો મુખ્ય હેતુ વર્ષ 2024માં સ્થાપિત ભારત-પોલેન્ડ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપને વધુ મજબૂત બનાવવાનો છે.

આ પણ વાંચો : ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં ખુલાસો, હોટલના રૂમ નંબર 201માં ભૂલથી ચાલી હતી ગોળી

Back to top button