CJPના આશુતોષ રાંકા અને સૌરવ દાસે અરજી પાછી ખેંચી, હાઈકોર્ટે ઝાટક્યા, બોન્ડ તોડીને જંતર-મંતર કેમ ગયા?

Delhi High Court CJP Protest Case: દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવાના પ્રયાસ દરમિયાન ધરપકડ કરાયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના બે નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. બુધવાર, 21 ઓક્ટોબરે તેમની ન્યાયિક કસ્ટડી વધારવાના આદેશ સામે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે બંને નેતાઓના વર્તન અને બોન્ડના કથિત ઉલ્લંઘન અંગે આકરા સવાલો કર્યા હતા. ત્યારબાદ બંનેએ પોતાની અરજી પરત ખેંચી લીધી હતી.
બોન્ડ ભર્યા પછી તેનું ઉલ્લંઘન કેમ કર્યું?
સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે જ્યારે અગાઉની ધરપકડ બાદ શાંતિ જાળવવા માટે બોન્ડ ભરવામાં આવ્યો હતો, ત્યારે તેનું ઉલ્લંઘન શા માટે કરવામાં આવ્યું? પ્રતિબંધ હોવા છતાં બંને નેતાઓ જંતર-મંતર કેમ પહોંચ્યા હતા? કોર્ટે CJP સંગઠનના ઉદ્દેશ અને તેના નેતાઓના વર્તન અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે, પરંતુ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવી પણ એટલી જ જરૂરી છે. જો કોઈ પ્રવૃત્તિથી શાંતિ ભંગ થવાની આશંકા હોય તો તેને અવગણી શકાય નહીં.
સત્તા પરિવર્તન ચૂંટણી દ્વારા થાય છે
સુનાવણી દરમિયાન કોર્ટે લોકશાહી વ્યવસ્થામાં વિરોધ પ્રદર્શન અને સત્તા પરિવર્તનના મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું કે લોકશાહી દેશમાં સરકાર બદલવાનો માર્ગ ચૂંટણી છે. CJPના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સૌરવ દાસની ઉંમર 27 વર્ષ અને આશુતોષ રાંકાની ઉંમર 31 વર્ષ છે. તેના પર ન્યાયાધીશે બંનેને Gen Z ગણાવવા સામે પણ ટિપ્પણી કરી હતી.
અન્ય દેશોમાં થયેલી હિંસાનો ઉલ્લેખ
જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે સુનાવણી દરમિયાન અન્ય દેશોમાં થયેલા વિદ્યાર્થી આંદોલનો અને ત્યારબાદ સર્જાયેલી હિંસક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે જણાવ્યું કે જ્યારે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર વ્યક્તિ બેરિકેડ તોડે છે, ત્યારે અન્ય લોકો પણ તેનું અનુસરણ કરી શકે છે. આવી સ્થિતિમાં ભીડને નિયંત્રણમાં રાખવી મુશ્કેલ બની શકે છે. કોર્ટે ઉદાહરણ આપતાં જણાવ્યું કે અન્ય દેશોમાં કેટલાક વિદ્યાર્થી આંદોલનો બાદ આગચંપી અને ઇમારતોને નુકસાન પહોંચાડવા જેવી ઘટનાઓ બની છે. તેથી શાંતિ ભંગ થવાની આશંકાને ગંભીરતાથી લેવી જરૂરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
10 ઓક્ટોબરે ધરપકડ બાદ બોન્ડ પર મુક્ત કરાયા હતા
10 ઓક્ટોબરે સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અભિજીત દીપકેને દિલ્હી એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા. તેઓ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન માટે દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ 50 હજાર રૂપિયાનો બોન્ડ ભર્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે જંતર-મંતર ખાતે પ્રતિબંધિત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવાના પ્રયાસને લઈને આશુતોષ રાંકા અને સૌરવ દાસ ફરી પોલીસ કાર્યવાહીમાં સપડાયા હતા. 14 ઓક્ટોબરે બંનેને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ 19 ઓક્ટોબરે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)એ તેમની કસ્ટડી વધુ બે દિવસ માટે લંબાવી હતી. આદેશમાં બોન્ડનું જાણીજોઈને ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાંથી અરજી પરત, SEM કોર્ટમાં આગળની કાર્યવાહી
જ્યુડિશિયલ કસ્ટડી લંબાવવાના આદેશને પડકારવા માટે બંને નેતાઓએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમના વકીલોએ દલીલ કરી હતી કે કસ્ટડી વધારવાનો આદેશ કાયદાકીય રીતે યોગ્ય નથી અને તે તેમના વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. જોકે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બોન્ડના કથિત ઉલ્લંઘન તથા પ્રતિબંધિત સ્થળે પ્રવેશ અંગે સવાલો ઉઠાવ્યા હતા. અંતે બંને નેતાઓએ પોતાની અરજી પરત ખેંચવાની રજૂઆત કરી હતી, જેને કોર્ટે મંજૂરી આપી હતી. હવે આ મામલે SEM કોર્ટમાં આગળની કાર્યવાહી થવાની છે












