પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં રાખ્યું, હવે એન્કાઉન્ટરમાં પતિનું મોત
Guwahati Murder Case: આસામના ગૌહાટીમાં પત્નીની હત્યાના આરોપી રામાનુજ ગોસ્વામીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી કસ્ટડી દરમિયાન ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેને રોકવા માટે ગોળી ચલાવવામાં આવી હતી. ગોળી વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો અને બાદમાં તેનું મોત થયું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
6 સપ્ટેમ્બરે સામે આવ્યો હતો ચોંકાવનારો કેસ
આ કેસ 6 સપ્ટેમ્બરે સામે આવ્યો હતો. ગૌહાટીની એક એપાર્ટમેન્ટમાં રહેતા દંપતી બે દિવસથી પડોશીઓને જોવા મળ્યા નહોતા. તેમના મોબાઇલ ફોન પણ બંધ આવતા હતા. આ દરમિયાન ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પડોશીઓએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ફ્લેટનું તાળું તોડી અંદર પ્રવેશ કરતાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની હાલત ખૂબ જ ખરાબ હતી અને પોલીસને પ્રાથમિક તપાસમાં હત્યાની શંકા ગઈ હતી.
ફ્રિજમાંથી મળ્યું મહિલાનું કપાયેલું માથું
ફ્લેટની તલાશી દરમિયાન પોલીસને ફ્રિજમાંથી પોલિથિન બેગમાં મહિલાનો કપાયેલું માથું મળ્યું હતું. બાદમાં મૃતકની ઓળખ 25 વર્ષીય રિયા તાલુકદાર તરીકે થઈ હતી.
પોલીસ મુજબ, રિયાના લગ્ન રામાનુજ ગોસ્વામી સાથે થોડા મહિના અગાઉ જ થયા હતા. મૃતદેહ મળ્યા બાદ રામાનુજ ફરાર હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.
આરોપીએ પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર
પોલીસના જણાવ્યા મુજબ, રામાનુજે રવિવારે મોડી રાત્રે આત્મસમર્પણ કર્યું હતું. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને સાત દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મેડિકલ તપાસ માટે લઈ જતા ભાગવાનો પ્રયાસ
પોલીસનું કહેવું છે કે રાત્રે આશરે 2 વાગ્યે હાટિગાંવ પોલીસની ટીમ આરોપીને મેડિકલ તપાસ માટે ગૌહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જઈ રહી હતી. આ દરમિયાન નરકાસુર પહાડી નજીક તેણે પોલીસ વાહનમાંથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના દાવા મુજબ, આરોપીને રોકવા માટે ગોળી ચલાવવી પડી હતી. ગોળી વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો અને નરકાસુર પહાડી રોડ નજીક જ તેનું મોત થયું.
સમગ્ર મામલાની તપાસ યથાવત
પત્નીની હત્યાના આરોપથી લઈને આરોપીના સરેન્ડર અને ત્યારબાદ થયેલા પોલીસ એન્કાઉન્ટર સુધીનો સમગ્ર કેસ હવે ભારે ચર્ચામાં છે. પોલીસ તરફથી ઘટનાક્રમ અંગે તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય તપાસ બાદ કેસ સાથે જોડાયેલી વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત માટે આગામી ત્રણ કલાક ભારે: 19 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ












