ટ્રેન્ડિંગનેશનલમીડિયા

લીઝ વિવાદમાં ગુવાહાટીની હોટલમાં ગોળીબાર, એક જ પરિવારના પાંચનાં મોત

Hotel Lease Shooting :  આસામની રાજધાની ગુવાહાટીમાં સોમવારે રાત્રે હોટલના લીઝ કરારને લઈને થયેલા વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી હોટલ બિલાસ ઇનમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ચાર લોકો એક જ પરિવારના હતા અને તેઓ હોટલમાં કામ કરતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હોટલના રિસેપ્શન પાસે પડ્યા હતા મૃતદેહ

ગોળીબાર બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સામે આવેલા એક વીડિયોમાં હોટલના રિસેપ્શન પાસે મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા. પોલીસ કમિશનર પાર્થ સારથી મહંતના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ઘટનાસ્થળેથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, બાદમાં મૃતકોની સંખ્યા વધીને પાંચ થઈ હતી.

લીઝ કરારના વિવાદમાં ફાયરિંગ થયાની આશંકા

પ્રાથમિક માહિતી અનુસાર, હોટલના માલિક અને હોટલ લીઝ પર લેનાર ઘનકાંત ગોગોઈ વચ્ચે લીઝ કરારને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આરોપીએ ગયા વર્ષે હોટલ લીઝ પર લીધી હતી. સોમવારે રાત્રે પણ આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ વિવાદ દરમિયાન ગુસ્સે ભરાયેલા આરોપીએ પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે હોટલની મિલકત અલગ-અલગ લોકોને લીઝ પર આપવામાં આવી હતી. જોકે, ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

હોટલના કર્મચારીઓ પણ ગોળીબારની ઝપેટમાં આવ્યા

આ ઘટના સોમવારે રાત્રે આશરે નવ વાગ્યે બની હતી. ગોળીબાર દરમિયાન હોટલના કેટલાક કર્મચારીઓ પણ ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. હુમલાખોરને રોકવા માટે કેટલાક લોકોએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પણ ગોળીબારની ઝપેટમાં આવી ગયા હતા. પોલીસે ઘટનાના આશરે એક કલાકની અંદર આરોપી ઘનકાંત ગોગોઈની ધરપકડ કરી હતી. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં વપરાયેલી લાઇસન્સવાળી પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે.

ત્રણ મૃતકોની ઓળખ થઈ, એક ઘાયલની હાલત સ્થિર

પોલીસે મૃતકોમાંથી હેલેના ભરાલી, દેવર્ષિ કશ્યપ અને નારાયણ દાસની ઓળખ કરી છે. અન્ય મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગોળીબારમાં બચી ગયેલા વ્યક્તિની ઓળખ સત્યેન પાઠક તરીકે થઈ છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. બીજી તરફ, આસામ કોંગ્રેસે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠાવ્યા છે.

લખનઉમાં પણ ત્રણ લોકોની હત્યાથી ચકચાર

ગુવાહાટીની ઘટના પહેલાં સોમવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પણ હત્યાની ઘટના બની હતી. સઆદતગંજ વિસ્તારમાં સવારે આશરે 10:30 વાગ્યે કાર પાર્ક કરવાના મુદ્દે થયેલા સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન થયેલા ગોળીબારમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં હતાં.

Back to top button