અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત માટે આગામી ત્રણ કલાક ભારે: 19 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Weather Update: ગુજરાતમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા આજે સવારે 10 વાગ્યે જાહેર કરાયેલા તાજા નાઉકાસ્ટ બુલેટિન મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બપોરે 1 વાગ્યા સુધી માટે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ મુજબ રેડ એલર્ટ હેઠળના વિસ્તારોમાં પ્રતિ કલાક 15 mm કે તેથી વધુ વરસાદ પડી શકે છે. સાથે 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને મધ્યમથી ભારે ગાજવીજ સાથે વીજળી પડવાની પણ પ્રબળ સંભાવના છે.

રેડ એલર્ટ હેઠળના જિલ્લાઓમાં સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર અને ભરૂચનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોમાં લોકોને અત્યંત સાવચેત રહેવા જણાવાયું છે.

આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા તથા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ વિસ્તારોમાં પ્રતિ કલાક 5થી 15 mm સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અહીં પણ 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વીજળી પડવાની 30થી 60 ટકા સંભાવના દર્શાવવામાં આવી છે.

અમદાવાદ સહિત અનેક શહેરોમાં સાવચેતી જરૂરી

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિત અનેક શહેરોમાં અચાનક ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. માર્ગો પર પાણી ભરાવાને કારણે ટ્રાફિકજામ અને વાહનવ્યવહારમાં મુશ્કેલી સર્જાવાની શક્યતા છે.

ખાસ કરીને ભારે વરસાદ અને તોફાની પવન દરમિયાન વાહનચાલકોને ધીમે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા સૂચના આપવામાં આવી છે.

વીજળી અને પવનને લઈને પણ ચેતવણી

હવામાન વિભાગે વરસાદ ઉપરાંત ગાજવીજ અને વીજળી અંગે પણ ચેતવણી આપી છે. લોકોને ખુલ્લા મેદાન, ઊંચા વૃક્ષો, વીજપોલ અને જૂના કે જર્જરિત મકાનો પાસે ન ઊભા રહેવા સલાહ આપવામાં આવી છે.

વીજળીના કડાકા દરમિયાન શક્ય હોય ત્યાં સુધી મજબૂત અને સુરક્ષિત ઇમારતમાં રહેવું હિતાવહ ગણાવવામાં આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ

રેડ અને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં સ્થાનિક સ્તરે પાણી ભરાવા, અંડરપાસમાં પાણી ભરાવા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્ર તથા હવામાન વિભાગની તાજી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ નાઉકાસ્ટ બુલેટિન બપોરે 1 વાગ્યા સુધી માટે અસરકારક હોવાથી આગામી કલાકોમાં વરસાદના જોરમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો: ગણેશ ચતુર્થીએ બેંક-શેરબજારમાં રજા, આજે 7 રાજ્યોમાં બેંકો બંધ; BSE-NSEમાં પણ ટ્રેડિંગ નહીં

Back to top button