ગુજરાતટોપ ન્યૂઝ

મોરબીમાં ખેડૂતોનો સરકાર સામે હલ્લાબોલ, વીજપોલના વળતર મુદ્દે કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી

મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરવામાં આવતી હાઈટેન્શન વીજલાઈન અને તેના માટે ઊભા કરવામાં આવતા વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન હવે વધુ તેજ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી નવી વળતર નીતિને ખેડૂતો અપૂરતી ગણાવી રહ્યા છે. આ નીતિમાં ફેરફાર કરવાની માંગ સાથે ‘આંદોલન પાર્ટ-3’ અંતર્ગત બુધવારે મહેન્દ્રનગર ચોકડીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો જોડાયા હતા. આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના આશરે 350 ગામોના ખેડૂતો અને મહિલાઓ સહિત અંદાજે 1200થી 1500 લોકો રેલીમાં જોડાયા હતા. હાથમાં બેનરો, સૂત્રોચ્ચાર અને સરકાર વિરોધી નારા સાથે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા અને જિલ્લા વહીવટીતંત્ર મારફતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવ્યું.

365 ગ્રામ પંચાયતોના સમર્થન સાથે રજૂઆત

ખેડૂતો દ્વારા 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સરકારના નવા પરિપત્રનો વિરોધ નોંધાવતું આવેદનપત્ર કલેક્ટરને સોંપવામાં આવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે ગામડાંના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પણ ખેડૂતોની માંગ સાથે સહમત છે અને સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે તે જરૂરી બની ગયું છે.

‘અમને ચાર ગણું વળતર જોઈએ’

રેલી દરમિયાન ખેડૂતોનું મુખ્ય સૂત્ર હતું કે સરકાર દ્વારા જાહેર કરાયેલ બે ગણું વળતર તેમને સ્વીકાર્ય નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની જમીનમાં વીજપોલ ઊભા થવાથી માત્ર થાંભલાની જગ્યા જ નહીં પરંતુ આસપાસના મોટા વિસ્તારની ખેતી પણ પ્રભાવિત થાય છે. ટ્રેક્ટર, ખેતીના સાધનો અને સિંચાઈની કામગીરીમાં મુશ્કેલી પડે છે. ઉપરાંત જમીનની બજાર કિંમતમાં પણ ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં બે ગણું વળતર નુકસાનની સરખામણીએ ખૂબ ઓછું હોવાનું ખેડૂતોનું કહેવું છે.

એક ખેડૂતે જણાવ્યું કે, “અમારી માગ ચાર ગણું વળતર આપવાની હતી, પરંતુ સરકારે માત્ર બે ગણું વળતર નક્કી કર્યું છે. આ નિર્ણય ખેડૂતોના હિતમાં નથી. જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.”

નેહુલ અમૃતિયાએ સરકાર સમક્ષ ત્રણ વિકલ્પ મૂક્યા

આંદોલનના અગ્રણી નેહુલ અમૃતિયાએ કલેક્ટરને રજૂઆત દરમિયાન જણાવ્યું કે ખેડૂતોના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે સરકાર સમક્ષ ત્રણ વિકલ્પ મૂકવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો સરકાર સાથે ટકરાવ નહીં પરંતુ ન્યાયસંગત ઉકેલ ઈચ્છે છે. જો સરકાર ખેડૂતોની માંગ પર ગંભીરતાથી વિચાર કરશે તો આ મુદ્દાનો ઉકેલ સરળતાથી આવી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર ખેડૂતોની અપેક્ષાઓ પૂર્ણ કરતો નથી. તેથી તેમાં સુધારો કરીને ખેડૂતોને વધુ લાભ મળે તેવી નવી જોગવાઈ કરવામાં આવે.

મહિલા ખેડૂતોએ વ્યક્ત કરી ચિંતા

રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલી મહિલા ખેડૂતોએ પણ સરકાર સામે પોતાની પીડા વ્યક્ત કરી હતી. એક મહિલા ખેડૂતે જણાવ્યું કે તેમના ખેતરમાં અદાણી જૂથની વીજલાઈન માટે વીજપોલ ઊભા કરવામાં આવ્યા છે. જેના કારણે ખેતીની કામગીરી મુશ્કેલ બની ગઈ છે.

તેમણે જણાવ્યું કે, “ખેતરમાં ખુલ્લા તાર હોવાથી હવે મજૂરો પણ કામ કરવા તૈયાર થતા નથી. જો અમારા પરિવારના કોઈ સભ્યને ખેતરમાં કામ કરતી વખતે વીજપ્રવાહથી નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે? સરકારના પરિપત્રમાં વીમા સુરક્ષા અંગે કોઈ જોગવાઈ નથી. શું અમારા જીવની કિંમત વીજપોલ કરતાં પણ ઓછી છે?”

બીજી મહિલા ખેડૂતે પ્રશ્ન ઉઠાવ્યો કે ખાનગી કંપનીઓને 30 વર્ષ સુધી વીજલાઈન ચલાવવાનું લાઈસન્સ આપવામાં આવ્યું છે, પરંતુ 25-30 વર્ષ પછી આ વીજપોલનું શું થશે અથવા ખેડૂતોને ફરી કોઈ વળતર મળશે કે નહીં તે અંગે સરકારના પરિપત્રમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ખેડૂતોની મુખ્ય માંગ શું છે?

ખેડૂતોનું કહેવું છે કે ‘ટેલીગ્રાફ એક્ટ-1885’ની કલમ 10(ડી) મુજબ વીજ કંપનીએ ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે કામગીરી કરવી જોઈએ. જો નુકસાન થાય તો તેની સંપૂર્ણ ભરપાઈ કરવી જોઈએ. ખેડૂતોની માંગ છે કે ગુજરાત સરકાર આ જોગવાઈને ધ્યાનમાં રાખીને ખેડૂત હિતમાં અલગ પરિપત્ર બહાર પાડે અથવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં જરૂરી સુધારા માટે રજૂઆત કરે.

જેતપરથી શરૂ થયેલું આંદોલન હવે વિસ્તર્યું

આ સમગ્ર આંદોલનની શરૂઆત મોરબી જિલ્લાના જેતપર ગામથી થઈ હતી. શરૂઆતમાં ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી આમરણાંત ઉપવાસ પણ કરવામાં આવ્યો. આ દરમિયાન સરકારે નવી વળતર નીતિ જાહેર કરી હતી, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેમની મુખ્ય માંગણીઓ હજુ પણ સ્વીકારવામાં આવી નથી.

આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની ચેતવણી

ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે જો સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપવા તૈયાર નહીં થાય તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે. ખેડૂતોનો દાવો છે કે આ માત્ર મોરબીનો નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોના હક્કનો પ્રશ્ન છે. સરકાર સાથે ચર્ચા માટે તેઓ તૈયાર છે, પરંતુ ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો: હોર્મુઝમાં નાગરિકો પરના હુમલાથી ભારત ગુસ્સે ભરાયું, ઈરાની રાજદ્વારીને સમન્સ પાઠવ્યું

Back to top button