વીજપોલ વળતર વિવાદ: સરકારી પરિપત્ર સામે ખેડૂતો અસંતુષ્ટ, મોરબીના જેતપરથી ‘આંદોલન પાર્ટ 3’ ના મંડાણ
Jetpar Farmer Protest: મોરબી જિલ્લાના જેતપર ગામેથી ખાનગી કંપનીઓના વીજપોલ અને વાયરના વળતર મામલે ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે મોરચો ખોલ્યો છે. યોગ્ય વળતર ન મળવાને કારણે ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને તેના ભાગરૂપે હવે ‘આંદોલન પાર્ટ 3’ ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેતપર ગામની રામવાડી ખાતે મોરબી સહિત સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં સરકારના નવા પરિપત્રનો વિરોધ કરીને આ લડતને રાજ્યવ્યાપી બનાવવાની નીતિ ઘડવામાં આવી રહી છે.
19 દિવસના ઉપવાસ આંદોલન બાદ નવી રણનીતિ
મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં હાલ વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા ખેતરોમાં વીજપોલ ઊભા કરવા અને વીજ વાયર પાથરવાની કામગીરી મોટા પાયે ચાલી રહી છે. આ કામગીરીના બદલામાં ખેડૂતોને અપાતું આર્થિક વળતર અત્યંત ઓછું હોવાથી ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. આ અગાઉ યોગ્ય વળતરની માંગ સાથે જેતપર ગામે ખેડૂતોએ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન (આંદોલન પાર્ટ 2) ચલાવ્યું હતું. જોકે, 7 જુલાઈએ આંદોલનના 19મા દિવસે ખેડૂતોની તબિયત લથડતાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પારણા કરાવાયા હતા અને આંદોલન સમેટી લેવાયું હતું, પરંતુ સરકાર સામેની લડત ચાલુ રાખવાનો મક્કમ નિર્ણય લેવાયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નવા પરિપત્ર સામે રોષ
સરકાર દ્વારા તાજેતરમાં ખાનગી વીજ કંપનીઓના વીજપોલ અને વાયરના વળતર અંગે એક નવી નીતિ જાહેર કરવામાં આવી છે. પરંતુ જેતપરના ખેડૂતોએ આ પરિપત્રનો સદંતર અસ્વીકાર કર્યો છે. આંદોલનના અગ્રણી નેહુલ અમૃતિયાએ સરકારની નીતિ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ પરિપત્ર ખેડૂત હિતેચ્છુ નથી પરંતુ કંપની હિતેચ્છુ છે. નવી નીતિના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડશે, જ્યારે ખાનગી કંપનીઓ માત્ર લાખો રૂપિયાનું વળતર આપીને છૂટી જશે. આ પરિપત્રની નકારાત્મક અસરો અંગે ચર્ચા કરવા માટે રાત્રે 9:00 વાગ્યે પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા સહિત 12 જિલ્લાના ખેડૂત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ગુજરાત સ્તરની ‘આંદોલન કમિટી’ રચાશે
ખેડૂતોએ આ લડતને વધુ વ્યાપક બનાવવા માટે આગામી વ્યૂહરચના તૈયાર કરી છે. જેના ભાગરૂપે 9 તારીખે રાત્રે 9:00 વાગ્યે વધુ 12 જિલ્લાના ખેડૂતોની બીજી મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહેશે. આમ, તમામ 24 જિલ્લાના ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા અને સર્વસંમતિ સાધ્યા બાદ ગુજરાત સ્તરની એક મજબૂત ‘આંદોલન કમિટી’ ની રચના કરવામાં આવશે, જે ખાનગી વીજ કંપનીઓ પાસેથી પૂરતું વળતર મેળવવા રાજ્યવ્યાપી આંદોલનનું સુકાન સંભાળશે.
આ પણ વાંચો: માંગરોળના ચૂનાભટ્ટી તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ











