ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાઝીરંગા માર્ગ અકસ્માત અપડેટ: મિની બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે ટક્કર, મોતનો આંકડો 26 થયો

આસામ: આસામના કાઝીરંગા નેશનલ પાર્ક નજીક શુક્રવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મિની બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં 26 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં મહિલાઓ, સગીરો અને અનેક કોલેજના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ સમગ્ર આસામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

નેશનલ હાઈવે-715 પર મિની બસ અને ટ્રક વચ્ચે ટક્કર

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત કોહોરા રેન્જ હેઠળ આવતા હાથીખુલી ટી એસ્ટેટ નજીક રંગાજન વિસ્તારમાં નેશનલ હાઈવે-715 પર થયો હતો. મિની બસ ગોલાઘાટથી નગાંવ તરફ જઈ રહી હતી, જ્યારે કન્ટેનર ટ્રક અપર આસામ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન બંને વાહનો વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે મિની બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો અને વાહન લોખંડના કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. બીજી તરફ, કન્ટેનર ટ્રક રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

કોલેજમાંથી પરત ફરી રહ્યા હતા વિદ્યાર્થીઓ

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સમયે મિની બસમાં આશરે 45 લોકો સવાર હતા. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ગોલાઘાટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સ્વપ્નનીલ ડેકાએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ પોલીસ અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

9 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડાયા

અકસ્મતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક કોહોરા મોડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને વધુ સારી સારવાર માટે બોકાખાત સિવિલ હોસ્પિટલ, ગોલાઘાટ અને જોરહાટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે કુલ 9 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. આશરે 20 ઘાયલોને વધુ સારવાર માટે જોરહાટ મોકલવામાં આવ્યા હતા. કોહોરા મોડલ હોસ્પિટલના વરિષ્ઠ તબીબ દીપન કુમાર બર્મને જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 26 થયો છે. વિવિધ હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.

14 મૃતકોની ઓળખ કરવામાં આવી

વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 14 મૃતકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં જ્યોતિ માઝી, દર્પણા માઝી, અનુરાગ ગોઆલા (12 વર્ષ), મિની બસના ચાલક અબ્દુલ મુજીદ, હેલ્પર સુભાષ, રાશિદ અલી, હફીઝા ખાતૂન, ફરહાના યાસ્મીન, કે.આર. લોભો, અમજદ અલી, બુલબુલ અલી, બેબી કરમાકર, દામિની ઘટોવાર અને દીપાંજલિ રોંગફારનો સમાવેશ થાય છે.

PM મોદીએ મૃતકોના પરિવારજનો માટે 2 લાખની સહાય જાહેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના આ ભયાનક અકસ્માત અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અકસ્માત અંગે શોક વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દુઃખ વ્યક્ત કર્યું

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અકસ્માતને લઈને શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી સમગ્ર આસામ હચમચી ગયું છે. આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે. ઘાયલોને વિલંબ વિના શ્રેષ્ઠ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મંત્રી રાનોજ પેગુ ટૂંક સમયમાં કાઝીરંગા પહોંચશે, જ્યારે તેઓ પોતે શનિવારે ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લેશે. પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી અતુલ બોરા ઘટનાસ્થળે હાજર રહીને રાહત અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા હતા.

મિની બસની ઝડપને કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં મિની બસની વધુ ઝડપ અકસ્માતનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કાઝીરંગા નેશનલ પાર્કની આસપાસ વાહનોની ગતિને લઈને નિયંત્રણો લાગુ છે. એવી આશંકા છે કે મિની બસના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે પોતાની લેન છોડીને સામેથી આવતા કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી.

ટ્રકના ડેશકેમમાં કેદ થયેલો હોવાનો દાવો કરાતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મિની બસ પૂરઝડપે આવતી અને કથિત રીતે પોતાની લેન ઓળંગીને ટ્રક સાથે અથડાતી દેખાય છે.

અગાઉ પણ ઓવરસ્પીડિંગના ચલણ કપાયાં હતાં

ગોલાઘાટ જિલ્લા પરિવહન કચેરીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માતગ્રસ્ત મિની બસ અગાઉ પણ અનેક વખત ઓવરસ્પીડિંગના મામલે ચલણનો સામનો કરી ચૂકી હતી. આ વાહન નગાંવના રહેવાસી અંજીર અલીના નામે નોંધાયેલું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે 3 માર્ચના રોજ જોરહાટમાં આ વાહન 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતું હોવાને કારણે 4 હજાર રૂપિયાનું ચલણ ફટકારવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાઝીરંગા વિસ્તારમાં પણ વધુ ઝડપે વાહન ચલાવવા બદલ અનેક ચલણ આપવામાં આવ્યાં હતાં, જેમાંથી કેટલાક હજુ બાકી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની વિસ્તૃત તપાસ કરવામાં આવશે

ગોલાઘાટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અકસ્માતની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન બંને વાહનોમાંથી કોઈએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું કે કેમ તે તપાસવામાં આવશે. મિની બસમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા કે નહીં અને વાહનની ગતિમર્યાદાનું પાલન થયું હતું કે નહીં તે બાબતોની પણ તપાસ થશે. તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવશે.

મધ્યપ્રદેશના સાગરમાં પણ ટ્રક અને SUV વચ્ચે અકસ્માત, 4નાં મોત

દરમિયાન, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં નેશનલ હાઈવે-44 પર ગોપાલપુરા નજીક ટ્રક અને SUV વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં SUVમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકાની હવાઈ સેવાઓ ખોરવાતાં તમામ ફ્લાઇટ્સ રદ, એર ઇન્ડિયાએ પણ જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી

Back to top button