19 વર્ષ બાદ ઇઝરાયેલમાં સત્તા પરિવર્તન, ગાદી આઇઝેનકોટને સરકાર રચવાનું આમંત્રણ

Government Change : ઇઝરાયેલના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે શનિવારે બેન્જામિન નેતન્યાહૂના પ્રતિસ્પર્ધી અને મધ્યમમાર્ગી ગઠબંધનના નેતા ગાદી આઇઝેનકોટને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આઇઝેનકોટ સરકાર રચવાનો પ્રયાસ કરી શકે છે. જોકે, નવી સરકારના શપથગ્રહણની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. નોંધનીય છે કે બેન્જામિન નેતન્યાહૂ છેલ્લા 19 વર્ષથી ઇઝરાયેલના રાજકારણમાં પ્રભાવી રહ્યા છે અને વડાપ્રધાન તરીકે લાંબા સમય સુધી સત્તામાં રહ્યા છે. હવે આઇઝેનકોટને મળેલા આમંત્રણથી દેશમાં નવા રાજકીય સમીકરણો રચાવાની શક્યતા છે.
સરકાર રચવા માટે કેવી રીતે બન્યું બહુમતીનું ગણિત?
27 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. 120 સભ્યોની નેસેટમાં આઇઝેનકોટના ગઠબંધનને 48 બેઠકો મળી હતી. સરકાર રચવા માટે ઓછામાં ઓછી 61 બેઠકોની જરૂર હતી. ત્યારબાદ અરબ પક્ષોએ આઇઝેનકોટને સમર્થન આપતાં તેમની સંખ્યા વધીને 67 થઈ હતી. આ સમર્થનથી સરકાર રચવાનો માર્ગ સરળ બન્યો છે.
રાષ્ટ્રપતિએ પક્ષો સાથે કરી ચર્ચા
એક દિવસ અગાઉ રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે નેસેટમાં ચૂંટાયેલા પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તમામ પક્ષો સાથે ખુલ્લી અને વ્યવહારુ ચર્ચાઓ કરવામાં આવી હતી. ઇઝરાયેલના લોકો માટે સ્થિર અને સારી સરકાર રચાય તથા સર્વસંમતિ બને તે માટે તેમણે પ્રયાસો કર્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કોણ છે ગાદી આઇઝેનકોટ?
ગાદી આઇઝેનકોટ યાશર પાર્ટીના નેતા છે. તેમનો જન્મ ઇઝરાયેલના ઉત્તરીય શહેર તિબેરિયાસમાં થયો હતો. તેમના માતા-પિતા મોરોક્કોથી ઇઝરાયેલ આવીને વસ્યા હતા. આઇઝેનકોટ ઇઝરાયેલના 21મા સેનાપ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે 2015થી 2019 સુધી આ જવાબદારી સંભાળી હતી.
7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના હુમલા બાદ તેઓ નેતન્યાહૂની ઇમરજન્સી વોર કેબિનેટમાં પણ સામેલ થયા હતા. આ હુમલામાં તેમના નાના પુત્રનું પણ મોત થયું હતું. આઇઝેનકોટના સૈન્ય અનુભવ અને રાજકીય ભૂમિકાને કારણે તેમને ઇઝરાયેલમાં મહત્વપૂર્ણ નેતા તરીકે જોવામાં આવે છે.
આ પણ વાંચો : જાપાનમાં મધરાતે શક્તિશાળી ભૂકંપથી હાહાકાર! 22 લોકો ઘાયલ, દુકાનોના કાચ તૂટ્યા અને બુલેટ ટ્રેનની ગતિ ધીમી કરાઈ












