ટ્રેન્ડિંગમનોરંજન

‘એક્સ મેન’ના પ્રોફેસર એક્સનું નિધન, 86 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Stewart Death :   હોલિવૂડ (Hollywood) જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘એક્સ મેન’ (X-Men)માં પ્રોફેસર ચાર્લ્સ ઝેવિયર એટલે કે પ્રોફેસર એક્સ (Professor X)ની ભૂમિકા ભજવીને દુનિયાભરમાં ઓળખ મેળવનાર દિગ્ગજ અભિનેતા સર પેટ્રિક સ્ટુઅર્ટ (Patrick Stewart)નું 86 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી અલ્ઝાઇમર (Alzheimer’s) અને લેવી બોડી ડિમેન્શિયા (Lewy Body Dementia) જેવી ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા હતા. તેમણે લોસ એન્જલસ (Los Angeles) સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

પરિવાર દ્વારા નિધનની પુષ્ટિ

પેટ્રિક સ્ટુઅર્ટના સત્તાવાર X એકાઉન્ટ પર તેમના પરિવાર દ્વારા નિવેદન જાહેર કરીને નિધનની જાણકારી આપવામાં આવી હતી. પરિવારે જણાવ્યું હતું કે અભિનેતાએ પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. બીમારી દરમિયાન તેમની પત્ની સની તેમની સંભાળ રાખી રહ્યાં હતાં. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત બે બાળકો ડેનિયલ અને સોફીનો સમાવેશ થાય છે.

હ્યુ જેકમેને આપી ભાવુક શ્રદ્ધાંજલિ

પેટ્રિક સ્ટુઅર્ટના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry)માં શોકની લાગણી ફેલાઈ છે. ‘એક્સ મેન’ ફિલ્મોમાં વોલ્વરિન (Wolverine)ની ભૂમિકા ભજવનાર અભિનેતા હ્યુ જેકમેન (Hugh Jackman)એ પણ તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી.

હ્યુ જેકમેને પેટ્રિક સાથેની કેટલીક જૂની તસવીરો શેર કરીને તેમને એક શ્રેષ્ઠ મિત્ર અને ઉમદા વ્યક્તિ ગણાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે આજે આપણે સ્ટેજ અને પડદાના એક મહાન કલાકારને ગુમાવ્યા છે. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે અને તેઓ હંમેશાં યાદ રહેશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

માર્વેલ સ્ટુડિયોએ પણ વ્યક્ત કર્યું દુઃખ

માર્વેલ સ્ટુડિયો (Marvel Studios)એ પણ પેટ્રિક સ્ટુઅર્ટના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સ્ટુડિયોએ જણાવ્યું હતું કે અભિનેતાએ પ્રોફેસર ચાર્લ્સ ઝેવિયરના પાત્રમાં બુદ્ધિમત્તા, સમજદારી અને માનવીય સંવેદનાઓનો અનોખો સમન્વય રજૂ કર્યો હતો. ‘એક્સ મેન’થી લઈને ‘લોગન’ (Logan) સુધીની ફિલ્મોમાં તેમના અભિનયે અનેક પેઢીના દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું.

થિયેટરથી હોલિવૂડ સુધીની શાનદાર સફર

13 જુલાઈ, 1940ના રોજ ઇંગ્લેન્ડના મિરફિલ્ડમાં જન્મેલા પેટ્રિક સ્ટુઅર્ટે પોતાની કારકિર્દીની શરૂઆત થિયેટર કલાકાર તરીકે કરી હતી. તેઓ પ્રતિષ્ઠિત રોયલ શેક્સપિયર કંપની (Royal Shakespeare Company) સાથે પણ જોડાયેલા હતા. તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ત્યારે મળી જ્યારે તેમણે ‘સ્ટાર ટ્રેક: ધ નેક્સ્ટ જનરેશન’ (Star Trek: The Next Generation)માં કેપ્ટન જીન-લ્યુક પિકાર્ડની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ‘એક્સ મેન’ સિરીઝમાં પ્રોફેસર એક્સના પાત્રે તેમને વિશ્વભરમાં લોકપ્રિયતા અપાવી હતી. અભિનય ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ વર્ષ 2010માં બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા તેમને નાઇટહુડ (Knighthood)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

‘એવેન્જર્સ: ડૂમ્સડે’માં છેલ્લી વખત જોવા મળશે

પેટ્રિક સ્ટુઅર્ટ આગામી માર્વેલ ફિલ્મ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ (Avengers: Doomsday)માં પણ જોવા મળશે. આ ફિલ્મ ભારતમાં 18 ડિસેમ્બરે રિલીઝ થવાની છે, જ્યારે અમેરિકામાં એક દિવસ અગાઉ રિલીઝ થશે. ભારતીય બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ટક્કર શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ (King) સાથે થવાની ચર્ચા છે. જોકે, બંને ફિલ્મોની રિલીઝ તારીખ અલગ છે. શાહરુખ ખાનની ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવાની છે. પેટ્રિક સ્ટુઅર્ટના નિધનથી હોલિવૂડમાં એક એવા કલાકારની ખોટ પડી છે, જેમણે થિયેટરથી લઈને મોટા પડદા સુધી પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.

આ પણ વાંચો : કરોડો ખેડૂતોને મળશે દિવાળી ભેટ, ખાતામાં આવશે પીએમ કિસાનના રૂ.2000

Back to top button