ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવે અજાણ્યા નંબર પરથી ફોન આવે તો નામ પણ દેખાશે! આવતીકાલથી ભારતમાં CNAP સેવા શરૂ

ભારતમાં મોબાઇલ ફોન વપરાશકર્તાઓ માટે 1 નવેમ્બરથી એક નવી સુવિધા શરૂ થવા જઈ રહી છે. કોલર નેમ પ્રેઝન્ટેશન (CNAP) નામની આ સેવા હેઠળ હવે અજાણ્યા નંબર પરથી ફોન આવે ત્યારે પણ કોલ કરનાર વ્યક્તિનું નામ મોબાઇલ સ્ક્રીન પર જોવા મળશે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને ટેલિકોમ કંપનીઓને આ સુવિધા શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

આ નવી સેવા શરૂ થયા બાદ અજાણ્યા નંબર પરથી આવતા કોલની ઓળખ કરવી વધુ સરળ બનશે. આ સુવિધા ઘણી હદ સુધી લોકપ્રિય ટ્રુકોલર એપ જેવી છે, પરંતુ તેમાં કોલ કરનારનું નામ સિમ કાર્ડ નોંધણી સાથે જોડાયેલી વિગતોના આધારે દર્શાવવામાં આવશે.

કેવી રીતે કામ કરશે CNAP સેવા?

CNAP સેવાની કામગીરી એક ઉદાહરણથી સમજી શકાય છે. માની લો કે A નામની વ્યક્તિ Bને ફોન કરે છે. જો Bના મોબાઇલમાં Aનો નંબર સેવ હશે, તો અત્યારની જેમ સેવ કરેલું નામ જ સ્ક્રીન પર દેખાશે.

પરંતુ જો Bના કોન્ટેક્ટ લિસ્ટમાં Aનો નંબર સેવ નહીં હોય, તો પણ કોલ દરમિયાન મોબાઇલ સ્ક્રીન પર તે નંબરની સાથે કોલ કરનારનું અસલી નામ દેખાશે. આ નામ સિમ કાર્ડ જે વ્યક્તિના નામે નોંધાયેલું છે તેના આધારે દર્શાવવામાં આવશે.

વિદેશથી આવતા કોલની પણ થશે ઓળખ

CNAPની એક મહત્ત્વની વિશેષતા એ છે કે વિદેશથી આવતા કોલની ઓળખ કરવામાં પણ મદદ મળશે. જો કોઈ ઇન્ટરનેશનલ નંબર પરથી ફોન આવશે, તો મોબાઇલ સ્ક્રીન પર ‘ઇન્ટરનેશનલ કોલ’ એવો સંકેત જોવા મળશે. આથી વપરાશકર્તાઓને કોલ ભારતમાંથી આવ્યો છે કે વિદેશમાંથી, તે સમજવામાં સરળતા રહેશે.

શરૂઆતમાં 4G અને 5G યુઝર્સને મળશે સુવિધા

હાલમાં CNAP સેવા 4G અને 5G નેટવર્ક પર કામ કરતા મોબાઇલ વપરાશકર્તાઓ માટે શરૂ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં 2G અને 3G નેટવર્કના ગ્રાહકો માટે પણ આ સુવિધા અલગ તબક્કામાં શરૂ કરવાની યોજના છે.

સાયબર ઠગાઈ પર લગામ લગાવવામાં મળશે મદદ?

આ નવી સુવિધા પાછળનો એક મહત્ત્વનો હેતુ સાયબર ઠગાઈના બનાવોને રોકવામાં મદદ કરવાનો છે. ઘણી વખત સાયબર ગુનેગારો વિદેશી નંબરો અથવા અજાણ્યા નંબર પરથી ફોન કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. આવા કેટલાક ગુનાહિત નેટવર્કના જોડાણ વિદેશમાં પણ હોવાનું સામે આવ્યું છે.

CNAPના કારણે અજાણ્યા કોલની ઓળખ કરવામાં સરળતા રહેશે અને વિદેશથી આવતા કોલ અંગે પણ વપરાશકર્તાઓ સાવચેત રહી શકશે. DoTનો આશય આ સુવિધાની મદદથી સાયબર છેતરપિંડીના બનાવો ઘટાડવાનો છે.

જોકે, માત્ર કોલરનું નામ દેખાય છે એટલા માટે દરેક કોલ સુરક્ષિત છે એવું માનવું નહીં. અજાણ્યા કોલ પર વ્યક્તિગત માહિતી, OTP, બેંકની વિગતો કે પૈસાની માંગણી કરવામાં આવે તો ખાસ સાવધાની રાખવી જરૂરી છે.

આ પણ વાંચો: ગેંગસ્ટર છોટા રાજનને મોટી રાહત! 2009ના શિવસેના નેતા પર ફાયરિંગ કેસમાં CBI કોર્ટે કર્યો નિર્દોષ જાહેર

Back to top button