Wether Update: વરસાદથી મુંબઈ-ગુજરાતથી MP સુધી તબાહી, ઉત્તરાખંડમાં પણ મેઘતાંડવ

Wether Update: દેશભરમાં ચોમાસું હવે જોર પકડી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 24થી 48 કલાક દરમિયાન 11 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર વિસ્તાર અને સક્રિય ચોમાસાની ટ્રફને કારણે ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થઈ રહ્યો છે.
દેશભરમાં સક્રિય થયેલા ચોમાસાએ અનેક રાજ્યોમાં ભારે તબાહી મચાવી છે. મુંબઈ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, અનેક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને ભૂસ્ખલનની ઘટનાઓએ જનજીવનને અસર પહોંચાડી છે.
મુંબઈમાં સૌથી વધુ અસર
મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાતા વાહનવ્યવહાર તેમજ લોકલ ટ્રેન સેવામાં અસર પડી છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે, જ્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં મકાન ધરાશાયી થવાની અને જાનહાનિની ઘટનાઓ પણ નોંધાઈ છે.
ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ વરસાદનો પ્રકોપ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલીક જગ્યાએ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં જળસ્તર વધ્યું છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તરાખંડમાં જનજીવન પ્રભાવિત
ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને નદીઓમાં આવેલા ઉફાનને કારણે કુલ 38 રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના અહેવાલ મુજબ માર્ગો ખોલવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
અહેવાલ મુજબ સૌથી વધુ અસર પિથોરાગઢ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 13 રસ્તા બંધ છે. ત્યારબાદ દેહરાદૂનમાં 7, ચમોલીમાં 6, બાગેશ્વરમાં 5, ટેહરીમાં 5, રુદ્રપ્રયાગમાં 1 અને અલ્મોડામાં 1 માર્ગ બંધ છે. બંધ રસ્તાઓમાં રાજ્ય માર્ગો, જિલ્લા માર્ગો તેમજ ગ્રામ્ય માર્ગોનો પણ સમાવેશ થાય છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ બાગેશ્વર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત ચમોલી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ટેહરી, પિથોરાગઢ અને નૈનીતાલ સહિતના પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.
બિહારમાં પણ એલર્ટ
બિહારમાં પણ અનેક જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે લોકોને ખુલ્લા મેદાનો, વૃક્ષો અને વીજ થાંભલાઓથી દૂર રહેવાની સલાહ આપી છે, કારણ કે આકાશી વીજળી પડવાનું જોખમ વધી શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય મોસમી સિસ્ટમના કારણે દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.












