18 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 1 ઓગસ્ટે અતિભારે વરસાદનું એલર્ટ

Heavy rains predicted: ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ઉત્તર-પશ્ચિમ ખાડીમાં સર્જાયેલી હવામાન પ્રણાલી વધુ મજબૂત બનતાં તેની અસર ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. સાથે જ 1 ઓગસ્ટના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ વધુ મજબૂત બનશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ઉત્તર-પશ્ચિમ ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી 24 કલાકમાં વધુ મજબૂત બની ‘ડીપ ડિપ્રેશન’માં પરિવર્તિત થઈ શકે છે. આ સિસ્ટમ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધી રહી છે, જેના કારણે પૂર્વ અને મધ્ય ભારત ઉપરાંત ગુજરાતમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે.
આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, ભાવનગર, દાહોદ, સુરત, નવસારી અને વલસાડ સહિત કુલ 18 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
27 જુલાઈથી ફરી વરસાદનું જોર વધશે
27 જુલાઈના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
1 ઓગસ્ટે અતિભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે 1 ઓગસ્ટ માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કેવું રહેશે હવામાન?
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે અને મહત્તમ તાપમાન આશરે 30 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
રાજકોટમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે, જ્યારે સુરત અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ શહેરોમાં લોકોને સાવચેતી રાખવા અને જરૂર વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
અરબી સમુદ્રમાં પવનની ગતિ આગામી દિવસોમાં 45થી 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ખરાબ હવામાન અને ઊંચા મોજાંને ધ્યાનમાં રાખીને 26થી 30 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : વહેલી સવારથી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું












