
Vadodara Housing Board Fraud: વડોદરા શહેરમાં સરકારી આવાસ યોજનાઓ અને સસ્તી દુકાનો અપાવવાના નામે સામાન્ય જનતા સાથે છેતરપિંડી આચરવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ વડોદરાના ગોરવા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત આવેલી દુકાનો અડધા ભાવે અને સસ્તામાં અપાવવાની લાલચ આપીને એક જ પરિવારની બે મહિલાઓ સાથે ₹23 લાખની મસમોટી ઠગાઈ આચરવામાં આવી હોવાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. આ ગંભીર કૌભાંડમાં ભાજપના એક અગ્રણી નેતાના પુત્ર સહિત કુલ 3 આરોપીઓની ગોરવા પોલીસે ધરપકડ કરીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે. આરોપીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડના ખોટા અધિકારીઓ બનીને નકલી દસ્તાવેજો અને નોટરી બાનાખતના આધારે આ વિશ્વાસઘાત કર્યો હતો.
ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી
પ્રાપ્ત વિગતો અનુસાર, છાણી જકાતનાકા પાસે રહેતાં રંજનબેન શર્માના પતિ સંજયકુમારની ગાયત્રી સોડા શોપ પર રોહન સોલંકી નામના શખ્સની અવારનવાર અવરજવર હોવાના કારણે સારી ઓળખાણ થઈ ગઈ હતી. આ મિત્રતાનો ગેરલાભ ઉઠાવીને રોહને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગોરવા વિસ્તારમાં આવેલી સરકારી દુકાનો વેચાણથી અપાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. માર્ચ 2025 માં રંજનબેન, તેમના પતિ અને ભાભી સુમનબેન સહિતના પરિવારજનો રોહનની સુભાનપુરા સ્થિત ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં રોહને તેમની મુલાકાત કશ્યપ રાકેશકુમાર જોષી અને જીલ અશોક બારોટ સાથે કરાવી હતી. આ ઠગોએ પોતાની ઓળખ આપતા જણાવ્યું હતું કે કશ્યપ જોષી ગુજરાત હાઉસિંગ બોર્ડના ઉચ્ચ અધિકારી છે અને જીલ બારોટ વહીવટકર્તા છે, જેથી તેઓ સરળતાથી દુકાનોની સત્તાવાર ફાળવણી કરાવી આપશે.
દુકાનો બતાવી પડાવ્યા લાખો રૂપિયા
આરોપીઓએ ગોરવા ટીપી-10, એફપી-118 ખાતે આવેલી ‘સ્વામી વિવેકાનંદ હાઇટ્સ’માં દુકાન નંબર 22 અને 23 રંજનબેનને તથા દુકાન નંબર 19 સુમનબેનને બતાવી હતી. એક દુકાનની કિંમત ₹ 11 લાખ નક્કી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રંજનબેને બેંક મારફતે ₹ 11 લાખ અને સુમનબેને ₹ 4 લાખથી વધુની રકમ જીલ બારોટના બેંક ખાતામાં જમા કરાવી હતી. ત્યારબાદ તા.13 માર્ચ, 2025 ના રોજ આ ત્રણેય દુકાનોના નોટરી સમક્ષ બાનાખત પણ કરી આપવામાં આવ્યા હતા. જોકે, આટલેથી સંતોષ ન માનતા આરોપીઓએ વેચાણ દસ્તાવેજ વહેલા કરાવી આપવાની લાલચ આપીને વધુ નાણાંની માંગણી કરી હતી, જેથી રંજનબેન અને તેમના પરિવારજનોએ રોહન સોલંકીને ₹ 8 લાખ અને જીલ બારોટને ₹ 3 લાખ રોકડા ચૂકવ્યા હતા. આમ, કુલ ત્રણ દુકાનોના સોદા પેટે કુલ ₹ 23 લાખ પડાવવા છતાં આરોપીઓએ દસ્તાવેજ કરી આપવાનું ટાળ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આપેલા ચેક બાઉન્સ થતાં ભાંડો ફૂટ્યો
જ્યારે ભોગ બનનાર પરિવારે પોતાના નાણાં કે દસ્તાવેજ માટે ઉઘરાણી શરૂ કરી ત્યારે આરોપીઓએ ટાળીને જીલ બારોટે ₹ 15 લાખનો અને રોહન સોલંકીએ ₹ 8 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ પરિવારજનોએ આ ચેક બેંકમાં જમા કરાવતા તે બંને ચેક બાઉન્સ થઈ ગયા હતા. પોતાની સાથે મોટું ફ્રોડ થયાનું જણાતાં રંજનબેન શર્માએ ગોરવા પોલીસ સ્ટેશનમાં રોહન લક્ષ્મણસિંહ સોલંકી, જીલ અશોક બારોટ અને કશ્યપ ઉર્ફે રાકેશકુમાર જોષી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગઈકાલે જ MGVCL ના લાઇનમેન સાથે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ₹ 9.05 લાખની છેતરપિંડી થયાની અન્ય એક ફરિયાદ પણ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે.
આ પણ વાંચો: એપ ઇન્સ્ટોલ કરવી પડી ગઈ મોંઘી: રિમોટ એક્સેસ મેળવીને સાયબર ગઠિયાઓએ યુવકનું બેંક ખાતું કર્યું ખાલી!












