એપ ઇન્સ્ટોલ કરવી પડી ગઈ મોંઘી: રિમોટ એક્સેસ મેળવીને સાયબર ગઠિયાઓએ યુવકનું બેંક ખાતું કર્યું ખાલી!

Ranip Cyber Fraud: અમદાવાદ શહેરમાં સાયબર ફ્રોડ અને ઓનલાઈન ઠગાઈની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા અને એક મોબાઈલ સ્ટોરમાં નોકરી કરતા યુવક સાથે અત્યંત ઠગાઈ અને ગંભીર સાયબર ક્રાઈમનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર ગઠિયાઓએ એક યુવકને નિશાન બનાવીને તેના મોબાઈલમાં ‘love chat.apk’ નામની શંકાસ્પદ વાયરસ ફાઈલ મોકલી હતી અને તેને ઇન્સ્ટોલ કરાવીને ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો. આ માલવેર ફાઈલની મદદથી ભેજાબાજોએ યુવકના બેંક ખાતામાંથી કપાત કરીને કુલ ₹ 9,48,493 અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ ઘટના અંગે ભોગ બનનાર યુવકે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
અજાણ્યા નંબર પરથી મોકલી ‘love chat.apk’ ફાઈલ
પ્રાપ્ત વિગતો અનુસાર, રાણીપ વિસ્તારમાં વસવાટ કરતા અને મોબાઈલની દુકાનમાં નોકરી કરતા 29 વર્ષીય યુવકના મોબાઈલ પર ગત 31 ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબર પરથી શંકાસ્પદ ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં મોકલવામાં આવેલી ‘love chat.apk’ નામની એપ્લિકેશન ફાઇલ યુવકે અજાણતા જ પોતાના ફોનમાં ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લીધી હતી. ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ સાયબર ગઠિયાઓએ રિમોટ એક્સેસ દ્વારા યુવકના મોબાઈલનો પૂરેપૂરો કાબૂ મેળવી લીધો હતો. આ દરમિયાન હેકરોએ યુવકના મોબાઈલમાં રહેલી બેંકિંગ એપ્સ અને પાસવર્ડની ગોપનીય માહિતી ચોરી લીધી હતી અને PayU પેમેન્ટ ગેટવેનો દુરુપયોગ કરીને નાણાકીય વ્યવહારો પાર પાડ્યા હતા.
મોબાઈલ બેન્કિંગ એપ ખોલતા ફૂટ્યો ભાંડો
આ મોટા સાયબર ફ્રોડની જાણ યુવકને 1 નવેમ્બરના રોજ થઈ જ્યારે તેણે પોતાની મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન ઓપન કરવાનો પ્રયાસ કર્યો હતો. એપ્લિકેશન યોગ્ય રીતે કામ ન કરતા અથવા લોગિન ન થતા તેણે નવો પાસવર્ડ જનરેટ કરીને ફરી લોગિન કર્યું હતું, ત્યારે ખાતામાંથી લાખો રૂપિયા કપાઈ ગયા હોવાનું તેના ધ્યાને આવ્યું હતું. તપાસ કરતા ખબર પડી કે 31 ઓક્ટોબરના રોજ તેના ફોન પર આધાર ઓટીપી (OTP) ના મેસેજો પણ આવ્યા હતા. આ ગંભીર કૌભાંડ અંગે યુવકે ત્વરિત પગલાં લઈને 1930 સાયબર હેલ્પલાઇન પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુવક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં સાયબર નિષ્ણાતો દ્વારા તેનો સ્માર્ટફોન ચેક કરવામાં આવતા તેમાંથી ‘love chat.apk’ નામની ખતરનાક માલવેર ફાઇલ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગઠિયાઓએ બેંકની ગુપ્ત માહિતી ચોરી કરીને PayU ગેટવે મારફતે આખી રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ડાયવર્ટ કરી દીધી હતી. હાલમાં સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને ટ્રાન્ઝેક્શન ટ્રેલના આધારે અજાણ્યા સાયબર ઠગાઈ કરનારાઓને ઝડપી પાડવા માટેની સઘન તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: ગુજરાત ATS નો આંતરરાષ્ટ્રીય ધડાકો: ₹473 કરોડના ડ્રગ્સ કેસમાં મોસ્ટ વોન્ટેડ સલીમ ડોલા તુર્કિયેથી ઝડપાયો!












